પાકિસ્તાની પીએમએ કહ્યું, ઈરાની રાષ્ટ્રપતિ સાથે 'એક કલાક કરતાં વધુ' સમય સુધી વાત થઈ - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, ન્યૂઝ અપડેટ, ઈરાન

ઇમેજ સ્રોત, Reuters

વાંચવાનો સમય: 3 મિનિટ

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીપે કહ્યું કે તેમણે શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર "વિસ્તારપૂર્વક" વાતચીત કરી છે.

તેમણે કહ્યું કે આ વાતચીત "એક કલાક કરતાં વધુ" ચાલી.

એક્સ પર લખતાં શરીફે કહ્યું કે તેમણે "પાકિસ્તાનની દ્વારા કરાઈ રહેલા કૂટનીતિક પ્રયાસો"ની માહિતી આપી, જેાં અમેરિકા અને ખાડી દેશો સાથે સંવાદ અને તણાવ કમ કરવા માટે સંપર્ક સામેલ છે.

પાકિસ્તાન, અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતની મેજબાનીની પેશકશ કરી ચૂક્યું છે.

શરીફે ઇઝરાયલના ઈરાન પરના હુમલાની પણ નિંદા કરી અને "ઈરાનના બહાદુર લોકો સાથે" હોવાની વાત કરી.

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં નવા દેશની ઍન્ટ્રી, યમને કોના પર છોડી મિસાઇલો?

યમનની રાજધાની સનામાં મશીનગન સાથેનો હૂતી સૈનિક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યમનની રાજધાની સનામાં મશીનગન સાથેનો હૂતી સૈનિક

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ કહ્યું છે કે તેણે યમનથી છોડવામાં આવેલી એક મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરી દીધી છે.

સમાચાર એજન્સી રૉઇટર્સ અને એએફપીના અહેવાલો અનુસાર, ઈરાન સાથે અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ શરૂ થયા પછી યમન તરફથી છોડવામાં આવેલી આ પહેલી મિસાઇલ છે.

આઇડીએફે ટેલિગ્રામ પર લખ્યું હતું કે, "યમનથી ઇઝરાયલ તરફ છોડવામાં આવેલી મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરવામાં આવી છે. આઇડીએફની હવાઈ સુરક્ષાની સિસ્ટમ ખતરાને રોકવા માટે કામ કરી રહી છે."

યમનમાં હૂથી જૂથના પ્રવક્તા યાહ્યા સારીએ પણ ટેલિગ્રામ પર એક નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું, "જો કોઈ અન્ય દેશ ઈરાનની સામે અમેરિકા અને ઇઝરાયલ સાથે સૈન્યમાં જોડાય છે, તો અમારા હાથ ટ્રિગર પર છે અને અમે સીધો લશ્કરી હસ્તક્ષેપ કરીશું."

"જો અમેરિકા અને ઇઝરાયલ રાતા સમુદ્રનો ઉપયોગ ઈરાન અથવા કોઈપણ ઈસ્લામી દેશ સામે હુમલા કરવા માટે કરશે, અથવા જો ઈરાન સામે હુમલાઓ વધતા રહેશે, તો અમે હસ્તક્ષેપ કરીશું."

આ પહેલાં ઈરાને સાઉદી અરેબિયામાં પ્રિન્સ સુલતાન ઍરબૅઝ પર પણ હુમલો કર્યો હતો, જેમાં ઘણા અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા.

છેલ્લા 24 કલાકમાં કુવૈતમાં પણ ડ્રૉન હુમલાની કોશિશ થઈ હોવાનું કુવૈત નૅશનલ ગાર્ડે કહ્યું છે.

નેપાળ: બાલેન શાહ વડા પ્રધાન બનતાં જ પૂર્વ વડા પ્રધાન ઓલીની ધરપકડ

બાલેન શાહ નેપાળ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળના પૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ થઈ છે

નેપાળ પોલીસના પ્રવક્તા અભિનારાયણ કાફલેએ જણાવ્યું છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન અને નેપાળ કૉમ્યુનિસ્ટ પાર્ટી (યુએમએલ)ના નેતા કેપી શર્મા ઓલી અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરવામાં આવી છે.

કાફલેએ બીબીસી નેપાળીને જણાવ્યું કે ઓલી અને લેખક બંનેને કાઠમંડુ પોલીસ પરિસરમાં લઈ જવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, 'તપાસપંચના અહેવાલને અમલમાં મૂકવાના મંત્રીપરિષદના નિર્ણય અનુસાર' તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે રૅપરમાંથી રાજકારણી બનેલા બાલેન શાહે શુક્રવારે નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. ગત વર્ષે જેન ઝીના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શન પછી દેશની પ્રથમ ચૂંટણીમાં તેમણે ઓલીને ભારે બહુમતીથી હરાવ્યા હતા.

કાફલેએ એમ પણ જણાવ્યું હતું કે, "તેમની સામે હવે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ધરપકડ એટલા માટે કરવામાં આવી છે, કારણ કે કાયદો સૌના પર સમાન રીતે લાગુ કરી શકાય."

ઈરાનનાં પરમાણુ ઠેકાણાં પર ઇઝરાયલના હવાઈ હુમલા

ઈરાનના પરમાણુ મથકો પર હુમલો

ઇમેજ સ્રોત, X/mamlekate

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકા અને ઇઝરાયલે નાગરિક માળખાં અને કેન્દ્રો પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે.

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે ઇઝરાયલે ઈરાનના બે સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ, એક પાવર પ્લાન્ટ અને નાગરિક પરમાણુ સ્થળો સહિત અન્ય માળખાં પર પણ હુમલો કર્યો હતો.

અબ્બાસ અરાગચીએ એક્સ પર લખ્યું હતું કે, "ઇઝરાયલનો દાવો છે કે તેણે અમેરિકા સાથે મળીને આ હુમલો કર્યો છે. આ હુમલો રાષ્ટ્રપતિ દ્વારા લંબાવવામાં આવેલી સમયમર્યાદાની વિરુદ્ધ છે."

તેમણે આગળ લખ્યું હતું કે, "ઇઝરાયલને તેના અપરાધો માટે ભારે કિંમત ચૂકવવી પડશે."

હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આગામી દસ દિવસ સુધી ઈરાનના ઊર્જા માળખા પર કોઈ હુમલો નહીં કરે.

પરંતુ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા નિવેદનના 24 કલાકની અંદર આ હુમલો થયો છે.

વધુમાં, ઇઝરાયલી દળોએ ઈરાનના અરાક હેવી વૉટર ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો કર્યો છે. બીબીસી વેરિફાઈએ માળખાની નજીક આગ અને ધુમાડાના ગોટા દેખાતા હોય તેવી તસવીરોની પુષ્ટિ કરી છે.

ઈરાનની પરમાણુ ઊર્જા એજન્સીએ પુષ્ટિ કરી છે કે આજે અરાક ફૅસિલિટી પર બે વાર હુમલો થયો હતો, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફે કહ્યું હતું કે, "અમેરિકા આશા રાખે છે કે આ અઠવાડિયે ઈરાન સાથે બેઠક થશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન