'તેમણે મૃતદેહના ટુકડા અને માનવમાંસ ખાવા મજબૂર કર્યા', નોકરીની લાલચમાં અત્યાચારની ભયાનક કહાણી

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 5 મિનિટ

દુનિયાને સૌપ્રથમ રાંચો ઇઝાગુઇરે નામના સ્થળ વિશે ત્યારે ખબર પડી જ્યારે પશ્ચિમ મૅક્સિકોના કેટલાક યુવાનો ગુમ થઈ ગયા અને તેમનાં માતાપિતાએ તેમને શોધવા માટે ફેસબુક લાઇવ શરૂ કર્યું.

તેઓ તેમનાં બાળકો અંગેના કેટલાક પુરાવા શોધવાની આશામાં રાંચો ગયા, તેમને એવી માહિતી પણ મળી હતી કે ત્યાં એક મોટી સામૂહિક કબર પણ મળી આવી શકે છે.

ત્યાં તેમને સેંકડો સેન્ડલ, કપડાં, સૂટકેસ અને બૅગ મળી આવ્યાં. એ બધું કદાચ એ લોકોનું હશે જે તેમને ત્યાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં ગયેલાં માતાપિતાને એવું લાગ્યું કે તેમણે તેમનાં બાળકોને ત્યાં મારી નાખ્યાં પછી ત્યાં જ છોડી દીધાં.

આ રાંચનો (ડ્રગ ગૅંગ તાલીમ કેન્દ્ર) ઉપયોગ જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (સીજેએનજી - એક ગૅંગ) દ્વારા ભરતી સ્થળ તરીકે થતો હોય તેવું લાગે છે.

બાદમાં એ શ્રેણીબદ્ધ હત્યાઓનું દૃશ્ય બન્યું. માર્ચ 2025માં તેના ખુલાસાથી માત્ર મૅક્સિકોને જ આઘાત ન લાગ્યો, પરંતુ આખા વિશ્વનું પણ ધ્યાન ખેંચાયું.

બચી ગયેલા લોકો સાથે વાત કરી અને "વિટનેસ ટુ હૉરર: ધ ટ્રુથ ધે ટ્રાઇડ ટુ હાઇડ એટ રાંચો ઇઝાગુઇરે" પુસ્તક લખનાર સેન્ડ્રા રોમાન્ડિયાએ "તે કાર્ટેલ માટે સસ્તા મજૂર કેન્દ્ર જેવું લાગતું હતું."

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

રોમાન્ડિયાએ બીબીસીને જણાવ્યું, "પહેલાં, આ ગૅંગ નોકરીઓ ઑફર કરે છે. જેમ કે, કમ્પ્યૂટર એન્જિનિયર, સુરક્ષા ગાર્ડ, ડ્રાઇવર અથવા મજૂર. તેઓ સારા પગારનું વચન આપશે. વૉટ્સઍપ, ફેસબુક અને અન્ય સોશિયલ નેટવર્ક દ્વારા જાહેરાત કરે છે."

"આ નોકરીઓ માટે પસંદગી પામવા માટે, તમારે ફોન અથવા ટેક્સ્ટ દ્વારા કેટલીક પરીક્ષા આપવી પડશે. પસંદગી પામનાર ઉમેદવારોને તેઓ કહે છે કે તેઓ તમને ત્લાક્વેપેક બસ ટર્મિનલ (ગ્વાડાલહારા) સુધીની બસ ટિકિટ મોકલી રહ્યા છે. તે જાલિસ્કોના સૌથી મોટા ટર્મિનલમાંનું એક છે. એક વાર ત્યાં પહોંચ્યા પછી, તેમને ઉબર અથવા ટૅક્સી દ્વારા 'કંપની ઑફિસો' સુધી લઈ જવામાં આવે છે."

રોમાન્ડિયાએ કહ્યું, "પછી શું થયું? જે વાહનને ઉબર તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, તે ખરેખર એક ખાનગી કાર હતી."

"તેઓ અંદર પ્રવેશતાની સાથે જ તેમનું અપહરણ કરી લે છે. તેમને હથિયારો વડે ધમકાવશે, તેમના ફોન લઈ લેશે."

"પછી તેમને રેન્ચો ઇજાગવીર અથવા અન્ય ખેતરોમાં લઈ જતા અને બળજબરીથી તાલીમ આપતા, અને જો કોઈ પ્રતિકાર કરે, તો તેને સ્થળ પર જ મારી નાખતા."

આ વિસ્તારમાં સેન્ડલ અને અન્ય વસ્તુઓનો મોટો ઢગલો જોઈને મને કૉન્સર્ન્ટ્રેશન કૅમ્પની યાદ આવી ગઈ.

'નોકરીની લાલચમાં ફસાયા યુવાનો'

ઇમેજ સ્રોત, GBJ

ઇમેજ કૅપ્શન, રાંચો ઇઝાગુઇરેમાં એક ખાડામાંથી સેન્ડલનો મોટો ઢગલો મળી આવ્યો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રોમાન્ડિયાએ કહ્યું, "રાંચોમાંથી બચી ગયેલા લોકોએ ત્યાંની ક્રૂર પરિસ્થિતિઓ વિશે વાત કરી. તેમને એકબીજાને મારવા અથવા ત્રાસ આપવાની ફરજ પાડવામાં આવી હતી. કેટલીક વાર તેમને બધાની સામે સજા પણ આપવામાં આવતી હતી."

રોમાન્ડિયાએ કહ્યું, "તેઓ અન્યોને મારી નાખવા, શરીરના ટુકડા કરવા, લાશો બાળવા, માનવ માંસ ખાવા અને સાંકળોથી બાંધીને એ જ સ્થિતિમાં છોડી દેવા દબાણ કરતા."

"તમને જે કહેવામાં આવે તે તમારે કરવું પડે. બાથરૂમ જવું, પૅન્ટ પહેરવું અને કપડાં ઉતારવાં બધું સૂચના પ્રમાણે જ કરવું પડે. જો તમને કહેવામાં આવે તો 50 પુશ-અપ પણ કરવાં પડે."

"નહીંતર, એ તમને મારશે, અથવા મારી જ નાખશે. ભાગી છૂટેલા લોકોએ કહ્યું કે તેઓ ગૅંગ લીડર્સ માટે મનોરંજનનો સાધન બની ગયા હતા."

રાંચો ઇઝાગુઇરેમાં રહ્યા હોવાનો દાવો કરનારા લોકોનાં નિવેદનો પ્રમાણે, "ત્યાં હત્યાઓ થઈ, મૃતદેહો ગાયબ થઈ ગયા."

"ઘણા યુવાનો 'નોકરી' શબ્દની લાલચમાં ત્યાં ગયા, પરંતુ અંતે તેઓ ક્યારેય પાછા ન આવ્યા."

રોમાન્ડિયા પુસ્તકમાં એક સાક્ષીએ કહ્યું, "ત્યાંથી બહાર નીકળવાના ફક્ત બે જ રસ્તા હતા: કાં તો તેમના હાથે મૃત્યુ, અથવા આપઘાત." આ કથન કમનસીબે આ સ્થળે પહોંચી ગયેલા યુવાનોએ અનુભવેલી ભયાનક પરિસ્થિતિઓને રજૂ કરે છે.

વધુ એક પીડિતે કહ્યું, "અમને છેતરીને બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા. પછી અપહરણ કરીને ત્રાસ આપવામાં આવ્યો. અમારા જૂથમાં 100 લોકો હતા, પરંતુ અંતે ફક્ત 30 જ રહ્યા."

"પછી ત્યાં બીજું એક નવું જૂથ લાવવામાં આવ્યું, અને તે સમયે મારા હાથમાં એક હથિયાર હતું."

"હું તેમને બચાવવા માટે કંઈક કરી શક્યો હોત, પણ મેં કંઈ કર્યું નહીં, કારણ કે મને ખબર હતી કે જો મેં કંઈ કર્યું હોત, તો તેઓ મને પણ મારત."

રોમાન્ડિયાએ કહ્યું, "તેણે પોતાનો જીવ બચાવવા માટે હિંસક કાર્ટેલ સભ્ય જેવું વર્તન કર્યું, પરંતુ વાસ્તવમાં તે વિચારી રહ્યો હતો કે, 'આ લોકોને બચાવવા માટે હું શું કરી શકું?'"

'ગોળીઓ અને છુપાયેલી કબરો મળી આવી'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૅક્સિકન નૅશનલ ગાર્ડના એક સશસ્ત્ર સભ્ય રાંચો ઇઝાગુઇરેના પ્રવેશદ્વાર પર ચોકી કરે છે

ગુરેરોસ બુસ્કાડોરેસ ડી જાલિસ્કો જૂથના સભ્યોનાં માતાપિતામાંના એક રાઉલ સર્વિને જણાવ્યું હતું કે જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે તેમને ગોળીઓના કૅસિંગ, મૅગેઝિન, છુપાયેલી કબરો અને બળી ગયેલા અવશેષો મળ્યા.

તપાસ હાથ ધરનાર રિપબ્લિકના ઍટર્ની જનરલ (એફજીઆર) કાર્યાલયે સ્પષ્ટતા કરી કે તેમને 'સ્મશાનમાં ચાલતી ભઠ્ઠીઓ' અથવા માનવ અવશેષોના સામૂહિક નિકાલના કોઈ પુરાવા મળ્યા નથી.

એફજીઆરે ગયા વર્ષે 5 માર્ચે જાહેરાત કરી હતી, "તપાસમાં સ્પષ્ટપણે જાણવા મળ્યું કે આ સ્થાનનો ઉપયોગ તાલીમ સ્થળ તરીકે કરવામાં આવ્યો હતો."

બાદમાં, રેન્ચોના સંબંધમાં 47 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત, ત્રણ લોકોના ગુમ થવા અને હત્યાના કેસમાં દસ આરોપીઓને 141 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

રાંચો ઇઝાગુઇરે સ્થિત છે એ તેવુચિટલાન શહેરના મેયરની આ ગુનાઓમાં મદદ કરવા અને પ્રોત્સાહન આપવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાંચો ઇજાગુઇરનું આકાશી દૃશ્ય

રોમાન્ડિયાએ કહ્યું, "મને લાગે છે કે અધિકારીઓ જે બન્યું તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."

તેમણે કહ્યું, "એફજીઆરે આ કેસ અંગે સ્પષ્ટતા કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું ન હતું કે ત્યાં લાશોને બાળવા માટે ભઠ્ઠીઓ હતી અને માનવ હાડકાં બાળવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે તપાસમાં કોઈ મુશ્કેલ ન પડે એ માટે તેમણે આવું કર્યું."

"તેમણે ક્યારેય આ વિશે જાહેર જનતાને ન જણાવ્યું, પરંતુ એક સમયે, ફરિયાદી અલેજાન્ડ્રો ગેર્ટ્ઝ માનેરોએ સ્વીકાર્યું કે ત્યાં એક બળી ગયેલું શરીર હતું. હકીકતમાં, અમે જે ચિત્રો જોયાં તેમાં ઘણા બધા બળી ગયેલા ટુકડા હતા. તે માણસના હોઈ શકે છે."

કેટલાક વૈજ્ઞાનિક નિષ્ણાતોએ કહ્યું છે કે અંતિમ ક્રિયાની પ્રક્રિયા ત્યાં દસ વર્ષથી વધુ સમયથી ચાલી રહી હોઈ શકે.

બીબીસી મુંડોએ આ કેસ અંગે ઍટર્ની જનરલ ઑફિસને ઇન્ટરવ્યૂ માટે વિનંતી કરી હતી, પરંતુ આ અહેવાલના પ્રકાશન સુધી તેનો કોઈ જવાબ મળ્યો ન હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાંચો ઇજાગવીર નજીક શોક મનાવતા લોકો

મૅક્સિકોમાં 1.3 લાખથી વધુ લોકો ગુમ થયા છે, જેમાંથી મોટા ભાગના લોકો 2007થી ગુમ થયા છે, આ એ જ સમય છે જ્યારે રાષ્ટ્રપતિ ફેલિપ કાલ્ડેરોને "ડ્રગ્સ સામે યુદ્ધ" શરૂ કર્યું હતું.

"ઘણા ગુમ થયેલા લોકોના કેસમાં, બળજબરીથી ડ્રગ કાર્ટેલમાં ભરતી કરવામાં આવેલા અને પ્રતિકાર કરવા બદલ મારી નખાયેલા લોકો સામેલ હતા."

રોમાન્ડિયા માને છે કે નિવેદનો સૂચવે છે કે આ સિવાય અન્ય કૅમ્પ અને ફાર્મ પણ હતાં, તેથી જાલિસ્કોના વધુ દુર્ગમ વિસ્તારોની તપાસ કરવી જરૂરી છે.

તેમણે કહ્યું, "યુવાનો હજુ પણ ગાયબ થઈ રહ્યા છે. તેથી મને નથી લાગતું કે કંઈ બદલાયું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન