'બૅક બટન હાઇજેકિંગ' શું છે, આ મામલે ગૂગલ કેવી વેબસાઇટ્સ પર કાર્યવાહી કરશે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગૂગલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લૌરા ક્રેસ
    • પદ, ટેકનોલોજી રિપોર્ટર
  • વાંચવાનો સમય: 2 મિનિટ

ગૂગલે કહ્યું છે કે તે 'બૅક બટન હાઇજેકિંગ' દ્વારા વપરાશકર્તાઓને પોતાની સાઇટ્સ છોડતા અટકાવતી વેબસાઇટ્સ સામે કાર્યવાહી કરવા માટે પોતાની નીતિઓમાં ફેરફાર કરી રહ્યા છે.

"બૅક બટન હાઇજેકિંગ" એ વેબસાઇટની બ્રાઉઝર કાર્યક્ષમતામાં દખલ કરવાની અને જ્યારે વપરાશકર્તા તેમાંથી બહાર આવવા માટે "બૅક" બટન દબાવે છે ત્યારે તેમને પાછલા પેજ પર જતા અટકાવવાની એક પદ્ધતિ છે.

આનાથી યૂઝર એક જ સાઇટ પર રહે છે, અને તેને બિનજરૂરી જાહેરાતો દેખાડવામાં આવે છે.

ક્રોમ બ્રાઉઝર વિકસાવનાર ટેક કંપની ગૂગલે એક બ્લૉગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, "અમે આ પ્રકારનું વલણ વધતું જોઈ રહ્યા છીએ."

ગૂગલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે 15 જૂનથી, આ પ્રકારના વર્તનને "હાનિકારક વર્તન" ગણવામાં આવશે અને જે સાઇટ્સ આવું કરશે તેમને ગૂગલ સર્ચનાં પરિણામોમાં ઓછું મહત્ત્વ આપવામાં આવશે, અથવા તો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે.

ગૂગલના જણાવ્યા અનુસાર "બૅક બટન હાઇજેકિંગ એ એક એવી વ્યવસ્થા છે જે બ્રાઉઝરની કામગીરીમાં દખલ ઊભી કરે છે અને વપરાશકર્તાને તેમની ઇચ્છા મુજબ નેવિગેશન કરવા દેતી નથી. આનાથી વપરાશકર્તાઓ હતાશા અનુભવે છે."

ગૂગલે એમ પણ જણાવ્યું કે, "વપરાશકર્તાઓ કહે છે કે આવા અનુભવોને કારણે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે. પરિણામે, તેઓ અજાણી સાઇટ્સની મુલાકાત લેતા સંકોચ અનુભવે છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગૂગલ

ઇમેજ સ્રોત, Getty Images

ગૂગલે કહ્યું કે તેઓ એવી સાઇટ્સ સામે કાર્યવાહી કરશે જે વપરાશકર્તાની બ્રાઉઝર હિસ્ટ્રીમાં નેવિગેશન પૃષ્ઠોનો સમાવેશ કરતી કોઈપણ પદ્ધતિઓનો ઉપયોગ કરે અને તેમને પાછલા પૃષ્ઠ પર પાછા ફરતા અટકાવે.

ધ ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફૉર આઇટી, બીસીએસના ડિજિટલ ડિરેક્ટર એડમ થૉમ્પસનએ જણાવ્યું હતું કે, "બૅક બટન હાઇજેકિંગ જેવી ક્રિયાઓ વપરાશકર્તાને ખરાબ અનુભવ કરાવડાવે છે. વેબસાઇટ કેવી રીતે કામ કરવી જોઈએ તે અંગેની લોકોની અપેક્ષાઓનો ભંગ કરે છે."

"તેથી જ ગૂગલ તેને હાનિકારક વર્તન ગણીને તેની સામે પગલાં લઈ રહ્યું છે, તે યોગ્ય છે."

જેઓ આવા દંડનો સામનો કરવા ન માગતા હોય તેવા સાઇટમાલિકોને ગૂગલે સલાહ આપી છે કે તેઓ વપરાશકર્તાની બ્રાઉઝર હિસ્ટ્રીને નેવિગેટ કરવાની ક્ષમતામાં દખલ ન કરે.

સાથે સાથે પોતાની તકનીકી વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવાની પણ સલાહ આપી છે.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ સાઇટ પર કાર્યવાહી કરવામાં આવે અને સાઇટ સમસ્યા સુધારી લે, તો તે ગૂગલને તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી પર પુનર્વિચાર કરવા વિનંતી કરી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન