ગુજરાતમાં આજથી ફરી બદલાશે હવામાન, આટલા જિલ્લાઓમાં ફરી માવઠું થશે

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 3 મિનિટ

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદ થશે. 7 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ઉનાળાની શરૂઆતની સાથે જ થોડા-થોડા દિવસોના અંતરે વરસાદ પડી રહ્યો છે. માર્ચ મહિનાના અંતમાં શરૂ થયેલું માવઠું હજી પણ યથાવત્ છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે 7 એપ્રિલના રોજ ભારત પર એક નવી સિસ્ટમની અસર શરૂ થશે અને એના કારણે ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં માર્ચ મહિનો અડધો પૂરો થયા બાદ જ ગરમીમાં વધારો થવા લાગે છે અને સામાન્ય રીતે એપ્રિલ મહિનો આવતાની સાથે અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચે જવા લાગે છે.

જોકે, આ વર્ષે 20 માર્ચની આસપાસથી રાજ્યમાં હવામાન પલટાવાની શરૂઆત થઈ હતી અને તે બાદ એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં ગુજરાતમાં ઉનાળો શરૂ થાય ત્યાં રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.

ગુજરાતના કયા જિલ્લામાં પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 7 એપ્રિલના રોજ વરસાદનું જોર વધારે રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગ પ્રમાણે 7 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે.

ગુજરાતમાં 7 એપ્રિલની સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવાની શરૂઆત થઈ શકે છે અને બપોર સુધીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 એપ્રિલના રોજ પણ હવામાન પલટાયેલું રહેવાની સંભાવના છે અને એકાદ-બે વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં ઉનાળામાં કેમ વરસાદ પડી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાન્ય રીતે ગુજરાતમાં ઉનાળામાં ખૂબ ઓછો વરસાદ પડે છે અને કેટલાક વિસ્તારોમાં તો નહિવત્ વરસાદ થાય છે. આ વખતે રાજ્યમાં માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયાથી જ હવામાન પલટાવાની શરૂઆત થઈ ગઈ હતી.

ચોમાસામાં ગુજરાતમાં મુખ્યત્વે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો એટલે કે લૉ-પ્રેશર એરિયાને કારણે વરસાદ પડે છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં થતી હલચલને કારણે પણ વરસાદ પડે છે.

જોકે, શિયાળા અને ઉનાળામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર મુખ્યત્વે શાંત હોય છે, પરંતુ ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત પર ડિસેમ્બરથી લઈને માર્ચ મહિના અથવા ક્યારેક એપ્રિલ મહિના સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થાય છે.

આ સિસ્ટમો ભૂમધ્ય સાગરની આસપાસ બને છે અને ત્યાંથી ઇરાક, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન પરથી થઈને ભારત પર પહોંચે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક પ્રકારના લૉ-પ્રેશર જ છે અને તેના લીધે ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે છે અને હિમાલયના પહાડી વિસ્તારોમાં બરફ પડે છે.

ગુજરાતમાં સામાન્ય રીતે દરેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરતાં નથી, પરંતુ જ્યારે આ સિસ્ટમો મજબૂત બને છે ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ થાય છે.

ગુજરાતમાં હવે વરસાદ બંધ ક્યારે થશે?

ઇમેજ સ્રોત, Getty Images

હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર 8 એપ્રિલ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે. 9 એપ્રિલથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે.

હાલની આ સિસ્ટમ બાદ હજી એક સિસ્ટમ 11 એપ્રિલના રોજ આવવાની સંભાવના છે, પરંતુ તેની વધારે અસર ઉત્તર ભારતના વિસ્તારોમાં થવાની સંભાવના છે. એટલે કે ગુજરાત પર તેની અસર થાય તેવી શક્યતા નથી.

હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં હવે વરસાદ બંધ થશે અને અને તાપમાનમાં વધારો થવાની સંભાવના છે એટલે કે ધીરેધીરે ફરીથી ઉનાળાની ગરમી પરત ફરશે.

એપ્રિલ મહિનાના મધ્ય સુધી હવે બીજી કોઈ મોટી સિસ્ટમ આવે તેવી સંભાવના દેખાતી નથી. હાલની આ સિસ્ટમ આગળ જતી રહે તે બાદ રાજ્યમાં વાદળો દેખાશે, પરંતુ વરસાદની સંભાવના ઓછી છે.

જો એપ્રિલના અંતમાં કે ત્રીજા અઠવાડિયાની આસપાસ કોઈ મજબૂત સિસ્ટમ ન આવે તો ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની શક્યતામાં ઘટાડો જોવા મળશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન