અમેરિકા અને ભારતની ટ્રેડ ડીલ બાદ ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા કેમ વ્યક્ત કરાઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 7 મિનિટ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે 'ટ્રેડ ડિલ' અંગે સહમતિ સધાયાની અને સાથે જ ભારત પર અમેરિકન ટેરિફ ઘટાડીને 18 ટકા કરવાની માહિતી આપી છે.

જોકે, ટ્રેડ ડીલની વિસ્તૃત જાણકારી આવવાની બાકી છે, પરંતુ ભારતીય વડા પ્રધાન સહિત ભારત સરકારના ઘણા મંત્રીઓ તેને એક 'મોટી ઉપલબ્ધિ' ગણાવી છે.

પરંતુ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા વિપક્ષના નેતાઓએ દાવો કર્યો હતો કે આ ટ્રેડ ડીલમાં ખેડૂતો અને ડેરી સેક્ટરનાં હિતોને નજરઅંદાજ કરાયાં છે.

આનો જવાબ આપતાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ભારતે પોતાના ઍગ્રિકલ્ચર અને ડેરી સેક્ટરનાં હિતો સાથે કોઈ સમાધાન નથી કર્યું.

પીયૂષ ગોયલે કહ્યું કે ટ્રેડ ડીલ અંગે અંતિમ તબક્કાની વાતચીતમાં ડિટેલ્સ નક્કી કરાઈ રહી છે અને ખૂબ જલદી ભારત અને અમેરિકા તરફથી આ અંગે એક સંયુક્ત નિવેદન જાહેર કરાશે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

અમેરિકન કૃષિમંત્રીના નિવેદને ચિંતા વધારી

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, ટ્રમ્પ અને અમેરિકન કૃષિમંત્રીનાં નિવેદનોએ ભારતમાં ચિંતામાં વધારો કરી દીધો છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર માહિતી આપી છે કે, "ભારત અમેરિકન વસ્તઓ પર ટેરિફ અને નૉન ટેરિફ બૅરિયર્સને શૂન્ય કરી દેશે... વડા પ્રધાને અમેરિકાથી વધુ ખરીદી અંગે સંમતિ વ્યક્ત કરી છે, જેમાં 500 અબજ ડૉલરથી વધુની અમેરિકન ઊર્જા, ટૅક્નૉલૉજી, કૃષિ, કોલસો અને અન્ય ઘણી પેદાશોની ખરીદી સામેલ છે."

એ બાદ અમેરિકન કૃષિમંત્રી બ્રુક રોલિેસે પણ આ ડીલને અમેરિકન ખેડૂતો માટે લાભદાયક ગણાવતાં કહ્યું કે 'અમેરિકન કૃષિ પેદાશોની ભારતના વિશાળ બજાર સુધી પહોંચ' વધતા અને તેનાથી '1.3 અબજ ડૉલરના ભારત સાથે અમેરિકન કૃષિ વેપાર નુકસાનને ઘટાડવામાં મદદ' મળશે.

એવું મનાઈ રહ્યું છે કે ભારત તરફથી કેટલીક આપત્તિઓના કારણે અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં આટલો વિલંબ થયો છે.

આ અંગે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ગત ઑક્ટોબર માસમાં કહ્યું હતું કે ભારતની 'બૉટમ લાઇન્સ' અને 'રેડ લાઇન્સ'નું સન્માન કરાવું જોઈએ.

ખરેખર ભારતની કેટલીક ચિંતાઓ રહી છે, જેના કારણે આ ટ્રેડ ડીલ આટલા લાંબા સમય સુધી ખેંચાઈ.

ભારતની આ ચિંતાઓ પર એક નજર કરીએ.

ઍગ્રિકલ્ચર સેક્ટર

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત પોતાના કૃષિ ક્ષેત્રને ખોલે એ માટે અમેરિકાનું સતત દબાણ રહ્યું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગત વર્ષે એપ્રિલ માસમાં પ્રકાશિત બીબીસીના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં ખેતી વડે દેશની અડધી વસતી એટલે કે લગભગ 70 કરોડ લોકોનું ભરણપોષણ થઈ રહ્યું છે અને આ સેક્ટર ભારતની કરોડરજ્જુ તરીકે જળવાઈ રહ્યું છે.

કૃષિ ભારતના લગભગ અડધા કામદારોને રોજગારી આપે છે અને ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં તેનું યોગદાન માત્ર 15 ટકા છે.

અમેરકા ઘણાં વર્ષોથી ભારત પર કૃષિ ક્ષેત્રને વેપાર માટે ખુલ્લું મૂકવાનું દબાણ બનાવી રહ્યું છે.

અમેરિકા ભારતને એક મોટા બજાર તરીકે જુએ છે, પરંતુ ભારત ખાદ્ય સુરક્ષા, આજીવિકા અને લાખો ખેડૂતોનાં હિતોનો હવાલો આપીને તેનાથી બચતું રહે છે.

અને વાતચીતમાં સૌથી મોટો મુદ્દો કૃષિ પેદાશોની નિકાસનો રહ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ વેપાર આઠ અબજ ડૉલરનો છે. જેમાં ભારત ચોખા, ઝીંગા અને મસાલાની નિકાસ કરે છે અને અમેરિકા મેવા, સફરજન અને દાળ મોકલે છે.

અમેરિકા ભારત સાથે 45 અબજ ડૉલરની વેપાર ખાધને ઘટાડવા માટે મકાઈ, સોયાબીન અને કપાસની મોટી કૃષિ નિકાસ માટે દરવાજા ખોલવાની માગ કરતું રહ્યું છે.

વિશેષજ્ઞોને બીક છે કે ટેરિફમાં રાહતો ભારતને પોતાના ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપી અને સાર્વજનિક ખરીદીને ઘટાડવા માટે દબાણ કરી શકે છે.

આ બંને બાબતો ભારતીય ખેડૂતોનાં મુખ્ય કવચ છે, જે તેમને તેમના પાકની યોગ્ય કિંમતની ગૅરંટી આપીને તેમને કિંમતોમાં થતા અચાનક ઘટાડા સામે રક્ષણ આપે છે અને અનાજ ખરીદીને સુનિશ્ચિત કરે છે.

ગત વર્ષે જુલાઈ માસમાં બીબીસી સંવાદદાતા સૌતિક બિસ્વાસે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (જીટીઆરઆઇ)ના અજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, "ડેરી ઉત્પાદનો કે ચોખા અને ઘઉં જેવા મહત્ત્વનાં ખાદ્યાન્નો પર ટેરિફમાં ઘટાડાની કોઈ આશા નથી, કારણ કે તેના પર ખેતી આધારિત આજીવિકા દાવ પર લાગેલી છે."

"આ શ્રેણી રાજકીય અને આર્થિક રીતે સંવેદનશીલ છે, કારણ કે ભારતના ગ્રામીણ અર્થતંત્રમાં 70 કરોડથી વધુ લોકો આનાથી પ્રભાવિત થાય છે."

રસપ્રદ બાબત એ છે કે નીતિ આયોગના એક લેટેસ્ટ દસ્તાવેજમાં પ્રસ્તાવિત ભારત-અમેરિકા વેપાર સમાધાન અંતર્ગત ચોખા, ડેરી, પૉલ્ટ્રી, મકાઈ, સફરજન, બદામ અને જીએમ સોયા સહિત અમેરિકન ખેતી આયાત પર ટેરિફ ઘટાડાની ભલામણ કરાઈ છે.

ડેરી સેક્ટરનો મુદ્દો

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ડેરી ઉત્પાદનો માટે ભારતીય બજાર ખોલવાની વાત અંગે નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ રહી છે

ગત વર્ષે જુલાઈ માસમાં બીબીસી દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે, ડેરી સેક્ટર પણ ભારત અમેરિકા ટ્રેડ ડીલમાં એક મોટો મુદ્દો રહ્યો છે.

ગ્રામીણ અર્થતંત્રમાં ભારતના ડેરી સેક્ટરનું મહત્ત્વપૂર્ણ યોગદાન મનાય છે.

ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો પ્રમાણે, વર્ષ 2023-24માં દેશમાં 23.92 કરોડ ટન દૂધનું ઉત્પાદન થયું હતું. કુલ દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે છે.

ભારતે 2023-24માં 27.26 કરોડ ડૉલરના 63,738 ટન દૂધ ઉત્પાદનની નિકાસ કરી હતી. સૌથી વધુ નિકાસ યુએઇ, સાઉદી અરેબિયા, અમેરિકા, ભૂટાન અને સિંગાપુરને કરાય છે.

ડેરી ઉત્પાદનોની આયાત પર ભારતમાં સારો એવો ટેરિફ છે. ભારતમાં ચીઝ પર 30 ટકા, માખણ પર 40 ટકા અને મિલ્ક પાઉડર પર 60 ટકા ટેરિફ લગાવાય છે.

આ જ કારણે ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આ પેદાશોની આયાત કરવી એ લાભદાયક નથી, જ્યારે આ દેશોની ડેરી પ્રોડક્ટ સસ્તી છે.

જો ભારત અમેરિકન ડેરી પેદાશો માટે પોતાનો બજાર ખોલવાનો નિર્ણય લે છે તો તેને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે.

ભારતીય સ્ટેટ બૅંકે તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જે પ્રમાણે, જો અમેરિકન ડેરી પ્રોડક્ટને મંજૂરી અપાય તો તેનાથી ભારતીય દૂધ ઉત્પાદનની કિંમતોમાં ઓછામાં ઓછો 15 ટકાનો ઘટાડો આવશે અને તેનાથી ખેડૂતોને દર વર્ષે 1.03 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે ડેરી ઉત્પાદન ખોલવાને કારણે ભારત દૂધ ઉત્પાદક દેશથી દૂધ ઉપભોક્તા દેશ બની શકે છે.

'નૉન-વેજ મિલ્ક' અંગે ચિંતા

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલમાં 'નૉન-વેજ મિલ્ક' પણ એક મુદ્દો રહ્યો છે

ડેરી સેક્ટર સાથે જોડાયેલો વધુ એક મુદ્દો 'નૉન-વેજ મિલ્ક'નો છે. જુલાઈ 2025માં પ્રકાશિત બીબીસીના એક અહેવાલ પ્રમાણે ભારત સરકારે આ અંગે સાંસ્કૃતિક ચિંતાઓનો હવાલો આપીને અમેરિકન ડેરી પેદાશોની આયાતની પરવાનગી આપવાની ના પાડી દીધી હતી.

ભારતમાં એક મોટી વસતી શાકાહારી છે અને પ્રાણીઓનાં માંસ સાથે સંકળાયેલ ચારો ખાનારી ગાયોના દૂધને પોતાની ધાર્મિક માન્યતાઓને અનુરૂપ નથી માનતી.

આવી ગાયોના દૂધને નૉન-વેજ મિલ્ક કહેવામાં આવે છે.

અમેરિકન ડેરી ઉદ્યોગમાં ગાયોનું વજન વધારવા માટે એવો ચારો અપાય છે, જેમાં પ્રાણીનું માંસ કે લોહી ભળેલાં હોય છે. આના કારણે જ તેને 'બ્લડ મીલ' પણ કહેવામાં આવે છે.

સિએટલ ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે, "ગાયોને એવો ચારો અપાય છે, જેમાં ભૂંડ, માછલી, ચિકન, ઘોડા અને બિલાડી કે કૂતરાં સુધ્ધાંનું માંસ હોય છે, અને પ્રાણીઓને પ્રોટીન માટે ભૂંડ અને ઘોડાનું લોહી અપાય છે. બીજી તરફ જાડા બનાવવા માટે આ પ્રાણીઓની ચરબીનો ભાગ પણ સામેલ હોય છે."

બીબીસી ન્યૂઝ હિંદીમાં છપાયેલા વધુ એક અહેવાલ પ્રમાણે, 'બ્લડ મીલ' મીટ પૅકિંગ વ્યવસાયની આડપેદાશ હોય છે અને તેનો અન્ય પ્રાણીઓને ખવડાવવા માટે ઉપયોગ કરાય છે.

પ્રાણીઓને માર્યા બાદ તેમના લોહીને જમા કરીને તેને સૂકવીને એક ખાસ પ્રકારનો ચારો બનાવાય છે - તેને 'બ્લડ મીલ' કહેવાય છે.

રશિયા પાસેથી ઑઇલની ખરીદી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે રશિયન ઑઇલ ખરીદવા બદલ ભારત પર વધારો 25 ટકાનો દંડાત્મક ટેરિફ લાદ્યો હતો

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર 25 ટકા રેસિપ્રૉકલ ટેરિફ સિવાય વધારાનો 25 ટકાનો દંડાત્મક ટેરિફ રશિયન ઑઇલની ખરીદી બદલ લાદ્યો હતો.

ટ્રમ્પે વારંવાર ભારતને રશિયન ઑઇલની ખરીદી બંધ કરવા અને અમેરિકા પાસેથી વધુ ને વધુ ડિફેન્સ ખરીદી કરવાની માગ કરતા રહ્યા છે.

ટેરિફ ઘટાડાની જાહેરાત કરતાં ગત મંગળવારે ટ્રમ્પે એવું પણ કહ્યું કે ભારતે રશિયા પાસેથી ઑઇલ ખરીદીને સંપૂર્ણપણે બંધ કરવા પર સંમતિ વ્યક્ત કરી છે અને તેના સ્થાને ભારત અમેરિકા પાસેથી વેનેઝુએલાનું ઑઇલ ખરીદશે.

આ પહેલાં પણ ટ્રમ્પ આવા દાવા કરતા રહ્યા છે, પરંતુ ભારત સરકાર તરફથી ક્યારેય આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી અપાઈ. જોકે, રશિયન ઑઇલની ખરીદીમાં સતત ઘટાડો નોંધાયો છે.

પરંતુ ગત મહિનાના અંતે ભારતના પેટ્રોલિયમમંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે રશિયા પાસેથી મેળવાતો પુરવઠો પહેલાંથી જ ઘટીને 1.3 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગયો છે, જે ગત વર્ષની સરેરાશ 1.8 મિલિયન બેરલ પ્રતિ દિવસ કરતાં ઓછો છે. પુરીએ કહ્યું હતું કે તેમાં ઘટાડાનું વલણ છે અને એ બજાર આધારિત પરિસ્થિતિઓ છે.

અમેરિકા ભારતને રશિયા સાથે પોતાના સંબંધ ઘટાડવાનું પણ દબાણ કરતું રહ્યું છે, ઑઇલ ખરીદી એ પૈકી એક છે અને ભારત પોતાની વ્યૂહરચનાત્મક સ્વાયત્તતાને ત્યાગવા નથી માગતું.

ગત નવેમ્બર માસમાં જ ભારતે પોતાની એલપીજી આયાતનો દસ ટકા ભાગ અમેરિકા પાસેથી ખરીદવાનું સમાધાન કર્યું હતું.

ગત ડિસેમ્બરમાં રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતનો પ્રવાસ ખેડ્યો હતો અને તેમણે 'ભારત પર અમેરિકન દબાણની ટીકા' કરી હતી.

ડિફેન્સ ખરીદી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે પહેલાં જ ભારતને એફ-35 ફાઇટર જેટ આપવાની પેશકશ કરી ચૂક્યા છે

આ ડીલ પર નજર રાખતા નિષ્ણાતો માને છે છે કે અમેરિકા ભારત પર ઑઇલ અને એલએનજી સિવાય બૉઇંગ વિમાન, હેલિકૉપ્ટર અને પરમાણુ રિઍક્ટર સુધી મોટા પાયે કૉમર્શિયલ ખરીદી માટે દબાણ કરી શકે છે.

ટ્રમ્પે કહ્યું પણ છે કે ભારત 500 અબજ ડૉલરની અમેરિકન પેદાશો ખરીદશે. જાણકારોનું અનુમાન છે કે તેમાં મોટો ભાગ ડિફેન્સ સેક્ટરનો હોઈ શકે છે.

ઊર્જા સિવાય ભારત અને રશિયાના સંબંધોમાં સંરક્ષણ ભાગીદારી ઘણી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ અહીં પણ રશિયાની ભૂમિકા સતત ઘટતી જઈ રહી છે.

સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે, 2020થી 2024 વચ્ચે ભારતે પોતાનાં સૈન્ય ઉપકરણોના 36 ટકાની રશિયા પાસેથી આયાત કરી હતી. જ્યારે 2006-10ના સમયગાળામાં ભારતે 82 ટકા સૈન્ય ઉપકરણ રશિયા પાસેથી આયાત કર્યાં હતાં.

ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા એ બાદ જ્યારે ગત ફેબ્રુઆરીમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળવા વૉશિંગટન પહોંચ્યા હતા ત્યારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા ભારતને એફ-35 ફાઇટર જેટ આપવા માટે તૈયાર છે

માર્ચ 2025માં બીબીસી પર પ્રકાશિત સૌતિક બિસ્વાસના અહેવાલ અનુસાર, એફ-35ની કિંમત લગભગ આઠ કરોડ ડૉલર (લગભગ 670 કરોડ રૂપિયા) પ્રતિ યુનિટ છે, જે તેને સૌથી મોંઘાં જેટ્સ પૈકી એક બનાવે છે.

ભારત સામે હવે પ્રશ્ન એ છે કે કાં તો અમેરિકા પાસેથી આધુનિક પરંતુ અત્યંત મોંઘું એફ-35 વિમાન ખરીદે અથવા તો રશિયા સાથે સંરક્ષણ સહયોગને મજબૂત કરતા તેના સૌથી આધુનિક સ્ટેલ્થ ફાઇટર જેટ, સુખોઈ એસયુ-57નું પ્રોડક્શન ઘરઆંગણે કરે.

ભારત સામે એફ-35 અંગે ઘણા પડકારો છે. તેની કિંમત ખૂબ વધુ છે. તેમજ તેની દેખરેખ પણ ખૂબ મોંઘી પડે છે અને તેના સંચાલનમાં ઘણી મુશ્કેલી પડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન