અમેરિકા ઈરાનની ભૂમિ પર ગ્રાઉન્ડ ઑપરેશન માટે પોતાના સૈનિક ઉતારશે, ટ્રમ્પ માટે આ કેટલું મુશ્કેલ છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાન પર અમેરિકા-ઇઝરાયલના પાંચ દિવસના હુમલા પછી પણ એ પ્રશ્ન ઊભો છે કે આ યુદ્ધમાં અમેરિકાનું લક્ષ્ય શું છે? (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 7 મિનિટ

અમેરિકા-ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધને આજે ચાર દિવસ થઈ ગયા છે.

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુની પુષ્ટિ પછી પણ બંને પક્ષો તરફથી હુમલા ચાલુ છે.

હવે પછી આ યુદ્ધની તસવીર કેવી હશે તે હજુ સંપૂર્ણ સ્પષ્ટ નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધ દ્વારા શું મેળવી લેવા માગે છે અને તેને કઈ રીતે ખતમ કરવા ઇચ્છે છે, તે અંગેના તેમના સંકેતો અત્યાર સુધી બદલાતા રહ્યા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના વહીવટી તંત્રના બાકીના અધિકારીઓએ સાર્વજનિક નિવેદનો અને ઇન્ટરવ્યૂઝમાં જુદી-જુદી પ્રાથમિકતાઓ અને હેતુઓ દર્શાવ્યાં છે.

વિશ્લેષકોનું માનવું છે કે આ છેલ્લા બે દાયકામાં મધ્યપૂર્વમાં અમેરિકાનાં સૌથી મોટાં સૈન્ય અભિયાનમાંનું એક છે.

અમેરિકાએ અત્યાર સુધી એવું સ્પષ્ટ રીતે નથી કહ્યું કે તેમનું અંતિમ લક્ષ્ય ઈરાનમાં સત્તાપરિવર્તન છે કે નહીં.

હુમલાની શરૂઆતમાં અમેરિકન વહીવટી તંત્રએ મુખ્યત્વે ઈરાનની પરમાણુ અને મિસાઇલ ક્ષમતાઓને ટાર્ગેટ કરવાની વાત કહી હતી.

પરંતુ હુમલા પછીના કલાકો અને દિવસોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં નિવેદનો અને સંકેત બદલાતાં રહ્યાં છે.

તેમણે પોતાના સોશિયલ મીડિયા સંદેશા અને ઇન્ટરવ્યૂમાં ક્યારેક શાસન પરિવર્તનની સંભાવના તરફ ઇશારો કર્યો, તો ક્યારેક સીમિત સૈન્ય લક્ષ્યોની વાત કરી.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંભાવના નકારી નથી

ઇમેજ સ્રોત, US Navy via Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકા-ઇઝરાયલના હુમલા ઈરાનની લશ્કરી ક્ષમતાઓને હાનિ પહોંચાડી રહ્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોમવારે કરેલા એક નિવેદનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે લાંબા અંતરની મિસાઇલો અને પરમાણુ હથિયારોની દિશામાં વધતી ઈરાની ક્ષમતાઓ માત્ર મધ્યપૂર્વ માટે જ નહીં, બલકે અમેરિકાના લોકો માટે પણ જોખમી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનમાં ભૂમિદળના સૈનિકોને મોકલવાની સંભાવનાને પણ પૂર્ણરૂપે નકારી નથી.

પોતાના એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, "દરેક રાષ્ટ્રપતિ કહે છે કે 'ઈરાનમાં જમીન પર સૈનિકો નહીં મોકલીએ', પરંતુ હું એવું નથી કહેતો. હું કહું છું, કદાચ અમારે તેની જરૂર નહીં પડે, અથવા જો જરૂર પડી તો તેને મોકલી પણ શકીએ છીએ."

જોકે, કેટલાક સુરક્ષા વિશ્લેષકો ઈરાનમાં મોટા પાયે જમીની હુમલાની સંભાવનાને ખૂબ જ સીમિત માને છે.

સુરક્ષા વિશ્લેષક પ્રવીણ સાહનીનું કહેવું છે, "વર્તમાન પરિસ્થિતિઓમાં અમેરિકન સૈનિકોની ઈરાનની જમીન પર ઊતરવાની શક્યતા ખૂબ ઓછી છે. હજુ એ પણ સંપૂર્ણ સ્પષ્ટ નથી કે આખરે અમેરિકા આ યુદ્ધ દ્વારા શું ઇચ્છે છે? અમેરિકાએ ઈરાન પર હુમલો તો કરી દીધો છે, પરંતુ ભૂમિદળને ઉતારવું તેના માટે સૈન્યરૂપે સરળ નહીં હોય અને રાજકીય રીતે પણ નહીં."

જમીની હુમલાની આશંકાઓને નકારતાં સુરક્ષા વિશ્લેષક પ્રવીણ સાહની બે મુખ્ય તર્ક રજૂ કરે છે. પહેલો, ઈરાનનો વિશાળ ભૂભાગ અને જટિલ ભૌગોલિક સ્થિતિ; અને બીજો, હુમલા પછી ઈરાનમાં જોવા મળી રહેલી રાષ્ટ્રીય એકતા.

અમેરિકા અને ઇઝરાયલે પોતાની મોટા ભાગની સૈન્યશક્તિનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલા શરૂ કર્યા છે અને યુદ્ધના ચોથા દિવસે પણ પાટનગર તહેરાન અને અન્ય વિસ્તારો પર ભીષણ હવાઈ હુમલા ચાલુ છે.

આમ છતાં, પ્રવીણ સાહની માને છે કે આ યુદ્ધમાં અમેરિકા-ઇઝરાયલ માટે ઈરાનને નિર્ણાયક રીતે હરાવવું સરળ નહીં હોય.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ઇરાક અને અફઘાનિસ્તાનના અનુભવ

ઇમેજ સ્રોત, BERNO/SIPA/Shutterstock

ઇમેજ કૅપ્શન, અલી ખામેનેઈની હત્યાએ ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનને 1979 પછીના સૌથી નિર્ણાયક વળાંકે લાવી દીધું છે

અમેરિકન યુરોપીય કમાનના પૂર્વ ડેપ્યુટી કમાન્ડર જનરલ ચાર્લ્સ વૉલ્ડનું મંતવ્ય છે કે ઈરાનમાં મોટા પ્રમાણમાં જમીની ઘૂસણખોરીની શક્યતા ખૂબ જ ઓછી છે.

27 ફેબ્રુઆરી 2026એ પ્રકાશિત થયેલા એક લેખમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેમને નથી લાગતું કે અમેરિકા ઈરાનમાં ભૂમિદળ મોકલીને સત્તાપરિવર્તનનો પ્રયાસ કરશે.

વૉલ્ડની દલીલ છે કે હવાઈ અને નૌસૈનિક શક્તિમાં અમેરિકાની સરસાઈ છે, પરંતુ ઇરાક અને અફઘાનિસ્તાનનાં લાંબાં યુદ્ધોના અનુભવ પછી અમેરિકન રાજકારણમાં નવા 'બુટ્સ ઑન ધ ગ્રાઉન્ડ' એટલે કે જમીની આક્રમણની બાબતમાં ભારે અનિચ્છા છે.

વૉલ્ડ અનુસાર, કોઈ પણ વહીવટી તંત્ર માટે—ભલે ને તે ટ્રમ્પનું જ કેમ ન હોય—મધ્યપૂર્વમાં વધુ એક વ્યાપક ભૂમિયુદ્ધમાં ઊતરવું ઘરેલુ રાજકારણની દૃષ્ટિએ અત્યંત જોખમી પગલું સાબિત થઈ શકે છે.

હેરિટેજ ફાઉન્ડેશન સાથે જોડાયેલા વ્યૂહાત્મક વિશ્લેષક જેમ્સ જે કારાફાનોએ ઈરાન પર પૂર્ણ આક્રમણની સંભાવના પર પોતાના જૂના વિશ્લેષણમાં ચેતવણી આપી હતી કે આ વિકલ્પ ઇરાક 2003 કરતાં પણ ઘણો વધુ જટિલ અને અઘરો બની શકે છે.

2006માં પ્રકાશિત એક વિશ્લેષણમાં કારાફાનોએ લખ્યું હતું કે, "પૂર્ણ આક્રમણ એક અત્યંત જટિલ વિકલ્પ હશે; આખરે ઈરાનની સેનાને હરાવી શકાય છે, પરંતુ અમેરિકન સેના પર ભારે દબાણ આવશે અને સ્થિતિ એક અનિશ્ચિત અને અત્યંત મોઘી સૈન્ય હાજરીમાં બદલાઈ શકે છે."

ઈરાનની વધુ જટિલ જમીની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 20 માર્ચ 2003ની આ તસવીરમાં કુવૈતના એક સૈન્ય કૅમ્પમાં એકઠા થયેલા અમેરિકન સૈનિકો ઇરાકમાં ઘૂસવાના આદેશ પછી ભૂમિ પરના આક્રમણ માટે તૈયાર જોવા મળી રહ્યા છે

સુરક્ષા વિશ્લેષક પ્રવીણ સાહનીનું માનવું છે કે બે દાયકા પછી ઈરાનમાં અમેરિકા માટે જમીની સ્થિતિ વધારે જટિલ થઈ ગઈ છે.

તેમના અનુસાર ઈરાનના ભૌગોલિક વિસ્તાર, પર્વતીય વિસ્તાર, વધુ વસ્તી અને મજબૂત સૈન્યમાળખું બહારની કોઈ પણ સેના માટે સૌથી મોટો પડકાર બની શકે છે.

અમેરિકાએ વર્ષ 2003માં ઇરાક પર હુમલો કર્યો હતો, ત્યારે બ્રિટને આ સૈન્ય અભિયાનને સાથ આપ્યો હતો, જ્યારે ઈરાન પરના વર્તમાન હુમલા પછી બ્રિટને સીધી રીતે યુદ્ધમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે.

અમેરિકાનાં ભૂમિદળોએ 2011માં ઇરાક છોડ્યું હતું; આ લાંબા સૈન્ય અભિયાન દરમિયાન અમેરિકાના સાડા ચાર હજારથી વધારે સૈનિકો મૃત્યુ પામ્યા અને લગભગ 32,000 જખમી થયા, જેની અસર આજે પણ અમેરિકન સમાજ અને રાજકારણમાં અનુભવી શકાય છે.

હજુ સુધી, ઈરાનની બાબતમાં અમેરિકાના લાંબા ગાળાના ઉદ્દેશનું ચિત્ર સ્પષ્ટ નથી થયું.

ઘણા વિશ્લેષક માને છે કે જો હેતુ માત્ર 'સર્જિકલ સ્ટ્રાઇક'થી આગળ વધીને સત્તાપરિવર્તન અને કબજા સુધી જાય છે, તો અમેરિકાએ સુરક્ષા ખર્ચમાં લાંબા ગાળાની અને મોટી વૃદ્ધિ સહન કરવી પડશે.

પ્રવીણ સાહની કહે છે કે અમેરિકા માટે આ યુદ્ધ અત્યંત ખર્ચાળ સાબિત થઈ શકે છે અને અંતમાં ઈરાનને નિર્ણાયક રીતે હરાવવું તેમના માટે અત્યંત મુશ્કેલ હશે.

અમેરિકા-ઇઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા તેના થોડા દિવસ પહેલાં જ એટલાન્ટિક કાઉન્સિલ સાથે જોડાયેલા અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ઈરાન બાબતોના પૂર્વ ડાયરેક્ટર નેટ સ્વાનસને એક લેખમાં ચેતવણી આપી હતી કે ઈરાન પર મર્યાદિત હવાઈ હુમલા પણ ધીમે-ધીમે જમીની પ્રતિબદ્ધતામાં બદલાઈ શકે છે.

સ્વાનસને લખ્યું હતું કે એ આશ્ચર્યજનક લાગી શકે છે કે ટ્રમ્પ, જેઓ 'ઘણાં યુદ્ધો'ને સમાપ્ત કર્યાના દાવા કરતા રહ્યા છે, ઈરાનમાં ભૂમિદળ મોકલે કે શાસન પરિવર્તન માટે આગળ વધે; પરંતુ વર્તમાન પરિસ્થિતિ તેમને એ દિશામાં ધકેલી શકે છે.

સ્વાનસન અનુસાર, જો હેતુ માત્ર સૈન્યથાણાંને નુકસાન પહોંચાડવાથી આગળ વધીને 'પૂર્ણ સત્તાપરિવર્તન' બની જાય, તો ઈરાનની પ્રતિક્રિયા અને ક્ષેત્રીય અસ્થિરતા અમેરિકાને એક લાંબા અને થકવી દેનારા સંઘર્ષમાં ફસાવી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે તે ઈરાન એવી મિસાઇલો બનાવતું હતું, જે અમેરિકા સુધી વાર કરી શકે છે. જોકે, અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓનાં વિશ્લેષણ તેમના આ દાવાને ટેકો નથી આપતાં

અમેરિકા-ઇઝરાયલના હુમલા પછી ઈરાને પણ આક્રમક પ્રતિક્રિયા આપી છે; તેણે મધ્યપૂર્વમાં અમેરિકન સૈન્યથાણાં પર મિસાઇલ હુમલાની સાથોસાથ કતાર, બહેરીન, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને ઇઝરાયલ બાજુ પણ મિસાઇલમારો કર્યો છે, જેના દાવાની સ્વતંત્ર પુષ્ટિ હજુ પણ પ્રક્રિયામાં છે.

સ્વાનસનનું કહેવું છે કે ઈરાનનું સૈન્યમાળખું ભલે નબળું પડ્યું હોય, પરંતુ તે સંપૂર્ણ નિષ્ક્રિય નથી થયું અને ભૂમિયુદ્ધની સ્થિતિમાં વ્યાપક સામના અને વિદ્રોહની શક્યતાને નજરઅંદાજ ન કરી શકાય.

પ્રવીણ સાહનીના મતે ઈરાનમાં સર્વોચ્ચ નેતાના મૃત્યુ પછી રાષ્ટ્રીય એકતાની સ્પષ્ટ તસવીર જોવા મળી રહી છે.

તેમના અનુસાર, જો અમેરિકા આ વાતાવરણમાં ભૂમિદળ મોકલવાનો નિર્ણય કરે, તો તે તેના માટે લશ્કરી અને રાજકીય બંને સ્તરે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.

સાહની એ પણ યાદ કરાવે છે કે લેબનોનનું શિયા લશ્કરી જૂથ હિઝબુલ્લાહ ભલે તાજેતરનાં વર્ષોમાં દબાણમાં રહ્યું હોય, પરંતુ તે ચિત્રમાંથી સંપૂર્ણ બહાર નથી અને બીજા મોરચા તરીકે સક્રિય થવાની ક્ષમતા હજુ પણ ધરાવે છે.

હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રૉકેટ હુમલો કર્યો છે, ત્યાર પછી ઇઝરાયલે લેબનોનની રાજધાની બૈરુત અને અન્ય ક્ષેત્રો પર પણ બૉમ્બમારો કર્યો છે અને હિઝબુલ્લાહના ઘણા કમાન્ડર્સને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે.

ઈરાનનો આક્રમક વળતો જવાબ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે માત્ર દ્વિપક્ષીય યુદ્ધ જેવું જ નથી રહ્યું

ઘણા વિશ્લેષકો એવી દલીલ કરી રહ્યા છે કે જે રીતે અમેરિકા લક્ષ્યોના વિશ્લેષણ પર ભાર મૂકી રહ્યું છે, એટલી જ ગંભીરતાથી એ સમજવાની જરૂર છે કે ઈરાનનાં વ્યૂહાત્મક લક્ષ્ય કયાં હોઈ શકે છે.

પ્રવીણ સાહની કહે છે, "ઈરાને જે રીતે આક્રમક વળતો જવાબ આપ્યો છે, તેનાથી એ સંકેત મળે છે કે તેનો હેતુ માત્ર પોતાના અસ્તિત્વની રક્ષા કરવાનો જ નહીં, પરંતુ મધ્યપૂર્વમાંથી અમેરિકન સૈન્યથાણાંને પાછા હાંકી કાઢવાનો પણ હોઈ શકે છે."

આ ભલે એક મોટું તારણ હોય, પરંતુ તેનો એક અર્થ એ પણ છે કે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે માત્ર દ્વિપક્ષીય યુદ્ધ નહીં પરંતુ વ્યાપક ક્ષેત્રીય પુનઃસંતુલનની દિશામાં પણ આગળ વધતું જણાય છે.

જોકે, આગળ વધી રહેલા આ યુદ્ધ દરમિયાન સૌથી મોટો સવાલ તો એ જ છે કે આખરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાનાં લક્ષ્ય કયા સ્તરે નક્કી કરે છે, અમેરિકાની ભવિષ્યની રણનીતિ મહદ્ અંશે આ જ હેતુઓ પર આધાર રાખશે.

જ્યાં સુધી જમીની હુમલાનો પ્રશ્ન છે, સૈન્ય ઇતિહાસમાં માત્ર હવાઈ હુમલા દ્વારા કોઈ મજબૂત અને મોટા દેશમાં સત્તાપરિવર્તન કે નિર્ણાયક જીતનાં ઉદાહરણ ખૂબ ઓછાં રહ્યાં છે.

અમેરિકા અને તેના સહયોગી દેશોએ વર્ષ 2003માં ઇરાક પર ભીષણ હવાઈ હુમલા કર્યા હતા; ઇરાકની સેનાને ખૂબ જ નુકસાન થયું હોવા છતાં, આખરે અમેરિકાએ ભૂમિદળ મોકલવું પડ્યું હતું અને પછીનાં સાત વર્ષ સુધી તેણે ઇરાકમાં ભૂમિયુદ્ધ સહન કરવું પડ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન