યોગ્ય રીતે શ્વાસ કેવી રીતે લેવા જોઈએ, શ્વાસ લેવાની વિવિધ પદ્ધતિઓ કઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાચેલ કૅન્ડલિન
- પદ, બીબીસી ન્યૂઝ, વેસ્ટ ઑફ ઇંગ્લૅન્ડ
- વાંચવાનો સમય: 4 મિનિટ
આધુનિક પ્રૅક્ટિશનરોના મત પ્રમાણે, શ્વાસની ઉપચાર શક્તિ હજ્જારો વર્ષોથી જાણીતી છે અને શ્વાસની પદ્ધતિઓ સાથેની થૅરપીમાં પુનઃ જાગૃતિ આવી રહી છે.
પ્રાચીન સંસ્કૃતિઓ શ્વાસ, મસ્તિષ્ક અને શરીર વચ્ચેનાં જોડાણની સમજ ધરાવતી હતી. આથી જ તે સંસ્કૃતિના લોકો શારીરિક, સાંવેદનિક અને માનસિક અવસ્થાને સહાય પૂરી પાડવા માટે હેતુપૂર્વક શ્વાસની પૅટર્નનો ઉપયોગ કરતા હતા.
સભાનતાપૂર્વકની શ્વાસ લેવાની તકનીકો શીખવતાં બ્રિસ્ટલ બ્રેથવર્કનાં લિન્ડસે મેરિયટના જણાવ્યાં મુજબ, પશ્ચિમી સંસ્કૃતિ "આ તકનીક અપનાવવામાં ધીમી રહી છે."
તેમણે કહ્યું હતું, "આપણે કેટલો ખોરાક લેવો જોઈએ, કેટલું પાણી પીવું જોઈએ, તે વિશે અઢળક માહિતી મેળવતાં હોઇએ છીએ, પણ કોઈએ આપણને કદી એ નથી શીખવ્યું કે, યોગ્ય રીતે શ્વાસ કેવી રીતે લેવાય?"
"શરૂઆતમાં આપણે સૌ ઘણી સરસ રીતે શ્વાસ લેતાં હોઇએ છીએ. જરા નવજાત શિશુને કે નાના બાળકને શ્વાસ લેતાં જુઓ. તમે જોશો કે તેઓ પેટથી ખૂબ જ ઊંડા, મોટા શ્વાસ લેતાં હોય છે.
"તે પછી જીવનની ઘટમાળ શરૂ થઈ જાય છે અને બાળક તરીકે તમને એવા સંદેશા મળે છે કે, અમુક બાબતો સ્વીકાર્ય નથી. આથી, આપણે આપણી લાગણીઓ દબાવતાં શીખીએ છીએ."
"લોકો માટે આપણે વધુ સ્વીકાર્ય બનીએ, તે માટે આપણે સ્વયંના વર્તનમાં ફેરફાર કરવા માંડીએ છીએ."
"જ્યારે તમે તમારી ભાવનાઓ દબાવી રાખો છો, ત્યારે તે પાછળ કેટલા પ્રયત્નો કરવા પડે છે, તે વિચારો. જો તમે રડવું દબાવી રાખવાની કોશીશ કરો છો, તો તમારો ચહેરો તંગ થઈ જાય છે, છાતી પણ તણાઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે બીબીસી રેડિયો બ્રિસ્ટલને જણાવ્યા મુજબ, "આ ઊર્જાને મુક્ત અને પ્રોસેસ થવા દેવાતી નથી અને આથી, તે શરીરની અંદર જ રહી જાય છે."
કેટલી અસરકારક છે શ્વાસ લેવાની આ પદ્ધતિ?

ઇમેજ સ્રોત, Gaetano Arena
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગેતાનો એરેના આશરે 18 મહિનાથી બ્રિસ્ટલ બ્રેથવર્ક સાથે સભાનતાપૂર્વકના લયબદ્ધ શ્વાસનો અભ્યાસ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું, "પ્રારંભનાં થોડાં સેશન્સમાં તો મને બધું જતું કરવા દેવાની તક આપવામાં આવી અને પછી જાણે ચમત્કાર થયો, શરીરે લગભગ તાત્કાલિક જ પીડાની લાગણીઓને મુક્ત કરવાનું શરૂ કર્યું."
"શરૂઆતનાં સેશન્સ અત્યંત સક્રિય, સઘન રહ્યાં હતાં, પણ તેના કારણે મારી અંદર રહેલા મોટા અવરોધો દૂર થઈ શક્યા."
"તમે શ્વાસને તે કરવા દો, જે તેણે કુદરતી રીતે કરવાનું હોય છે. તે તણાવ અને તાણનાં સ્તરોને મુક્ત કરવાનું શરૂ કરે છે, જેથી તમે તમારા પોતાના શરીરને લઈને વધુ સ્પષ્ટ જાગૃતિ મેળવી શકો."
તેમણે ઉમેર્યું હતું, "એક વખત તે મોટા અવરોધો દૂર થઈ ગયા પછી તમે પરિવર્તિત જાગૃતિની સ્થિતિમાં પહોંચી શકો છો, જ્યાં તમે વધુ માનસિક સ્પષ્ટતા મેળવી શકો છો."
ડૅબોરાહ મેડિસન સમરસેટના રેડસ્ટોક ખાતે તેમની હિલીંગ સ્પેસ પ્રૅક્ટિસમાં બ્રેથવર્ક શીખવે છે.
તેમણે કહ્યું હતું કે, આ કસરતો "તાણ, તણાવ, વ્યગ્રતા, ચિંતા, આઘાત તેમજ પીડાની જૂની પૅટર્ન્સને મુક્ત કરી શકે છે."
"તે આશ્ચર્યજનક છે. હું રોજ ક્લાયન્ટ્સ સાથે કામ કરું છું અને કેટલીક વખત હું વિશ્વાસ નથી કરી શકતી કે, આ પ્રૅક્ટિસ કેટલી શક્તિશાળી છે," એમ તેમણે કહ્યું હતું.
"સૌથી મોટી વાત એ છે કે, ન્યૂરોસાયન્સ (ચેતા વિજ્ઞાન) હવે આપણને બતાવી રહ્યું છે કે, તે કેટલું શક્તિશાળી છે. હજુ હમણાં સુધી આપણને તેના વિશે ખાસ જાણકારી નહોતી."
શ્વાસ લેવાની પ્રક્રિયાને કારણે મગજની ક્રિયા ધીમી થઈ જાય છે, વિચાર કરી રહેલું મસ્તિષ્ક ધીમું થઈ જાય છે અને આપણે જેને સાંવેદનિક મસ્તિષ્ક કહીએ છીએ (લિમ્બિક સિસ્ટમ), તે તરફ તમારી જાગૃતિને દોરાવા માટે સક્ષમ બનાવે છે.
"તેની અસર સ્વરૂપે ભૂતકાળની ઘણી બાબતો સામે આવે છે, કદાચ એવી બાબતો, જે આપણે પ્રોસેસ નથી કરી, તણાવ જન્માવતી ઘટનાઓ, આઘાતજનક બાળપણ, વગેરે."
વિક્ટોરિયન કૉક્સન છેલ્લા એક વર્ષથી મિસ મેડિસન સાથે કામ કરી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું, "આ સેશન્સે મારા વિચારોને એક તરફ હડસેલવામાં મને ઘણી મદદ કરી અને તે મને મારા અર્ધજાગૃત મનનાં એવાં સ્થાનો પર લઈ ગયાં, જેની મને અપેક્ષા નહોતી."
"તેના કારણે મારા પરિવારના વંશાનુગત શોકના જે પ્રશ્નો મને આગળ વધતાં અટકાવી રહ્યા હતા, તેમનું ઝડપથી પ્રોસેસિંગ શક્ય બન્યું."
શ્વાસનો 'સ્વ-ઉપચાર'

ઇમેજ સ્રોત, Deborah Maddison
તાજેતરનાં વર્ષોમાં તબીબી વ્યવસાય ક્ષેત્રે શ્વાસ લેવાની તકનીકોને સમાવતી થૅરપી પૂરક સારવાર તરીકે પ્રગતિ સાધી રહી છે.
એનએચએસ તણાવ, વ્યગ્રતા અને ગભરાટ દૂર કરવા માટે રોજીંદા ક્રમ તરીકે ઘરે સહેલાઈથી કરી શકાય, તેવી શ્વાસની કસરતોની ભલામણ કરે છે.
મેડિસને જણાવ્યા પ્રમાણે, "અમે ક્લાયન્ટ્સને ઘરે આત્મવિશ્વાસ સાથે આ રીતે શ્વાસ લેવાનું પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ. સાથે જ અમે જીવનમાં આવતા ચઢાવ-ઉતાર સામે ઝઝૂમવા માટે તથા મુશ્કેલીઓથી ઘેરાયેલા રહેવાને બદલે તેમાંથી બહાર નીકળવા માટે મદદરૂપ થતી સ્વ-ઉપચારની પ્રૅક્ટિસ તરીકે તેનો ઉપયોગ કરવા માટે તેમને ઉત્તેજન આપીએ છીએ."
"તે કિટ બૅગમાં એક અન્ય સાધન છે."
મિસ કૉક્સન સંમત થતાં કહે છે, "સ્વયંની કાળજી અને આત્મ-ખોજની મારી સફર સર્વોત્તમ રહી હતી."
'જીવનનો વળાંક'

ઇમેજ સ્રોત, Lyndsey Marriott
મિસ મેડિસને કહ્યું હતું કે, ઘણા લોકો જ્યારે જીવનના કોઈ વળાંક પર હોય કે પછી દ્વિધામાં હોય, તેવા સમયે તેઓ તેમની મદદ માગતા હોય છે.
તેમણે આગળ કહ્યું હતું, "હું તેમને તેમના જીવનમાં આગળ વધતાં, નવી કારકિર્દી ઘડતાં, નવા સંબંધો પ્રસ્થાપિત કરતાં અને જીવનને ફરીથી પ્રેમ કરવાનું શીખતાં જોઉં છું."
મિસ કૉક્સને જણાવ્યું હતું, "તેણે આંતરિક જ્ઞાનના મારા આશય તરફ મને માર્ગદર્શન પૂરું પાડ્યું અને હું જીવનમાં આગળ ક્યાં જવા માગું છું, તે સમજવામાં મદદ પૂરી પાડી."
"તે અત્યંત શક્તિશાળી અનુભવ હતો, કારણ કે, તેનાથી મને જે અંતદૃષ્ટિ પ્રાપ્ત થઈ, તેને પગલે મેં ડૉક્ટરેટનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























