હોર્મુઝ કરતાં પણ સાંકડી સામુદ્રધુની ચીન માટે કેટલી મહત્ત્વપૂર્ણ, જો અમેરિકા-ભારત હસ્તક્ષેપ કરે તો શું થશે?
ઇમેજ સ્રોત, EPA
- લેેખક, લૂઇસ બરૂચો
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- વાંચવાનો સમય: 6 મિનિટ
મધ્ય પૂર્વમાં વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ જળમાર્ગોમાં સ્થાન ધરાવતી હોર્મુઝ સામુદ્રધુનીની નાકાબંધી બાદ વૈશ્વિક વેપારનો વધુ એક મહત્ત્વનો જળમાર્ગ ચર્ચામાં આવી ગયો છે.
સોમવારે સાઇન કરવામાં આવેલા સંરક્ષણ કરાર પછી અમેરિકાએ ઇન્ડોનેશિયન પ્રદેશ ઉપર ઉડાન ભરવા માટે લશ્કરી પરવાનગીનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાની ઇન્ડોનેશિયન અધિકારીઓએ પુષ્ટિ કર્યા બાદ દક્ષિણ પૂર્વીય એશિયામાં આવેલી સ્ટ્રેટ ઑફ મલાક્કા (મલાક્કાની સામુદ્રધુની) ફરી ચર્ચામાં આવી ગઈ છે. ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ અંગે હજુ નિર્ણય લેવો બાકી છે.
નિષ્ણાતો કહે છે કે, આ પ્રકારના પગલાંની વૈશ્વિક ભૂ-રાજકીય અસરો વર્તાઈ શકે છે.
પણ સ્ટ્રેટ ઑફ મલાક્કા શું છે અને તે શા માટે આટલું મહત્ત્વ ધરાવે છે?
આ સામુદ્રધુની સમગ્ર વિશ્વ માટે અગત્યની કેમ ગણાય છે
ઇમેજ સ્રોત, AFP via Getty Images
અઝીફા એસ્ટ્રિના અમેરિકામાં યુનિવર્સિટી ઑફ ઇલિનોઇસ ઉર્બાના-શેમ્પેઇન ખાતે પીએચડીનાં ઉમેદવાર તથા બ્રિટન સ્થિત ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (આઇઆઇએસએસ) માટે ખાડીની દરિયાઈ ઘટનાઓ પરના અભ્યાસનાં લેખિકા છે.
તેમણે જણાવ્યું હતું કે, "સ્ટ્રેટ ઑફ મલાક્કા એટલા માટે ભૌગોલિક તેમજ વ્યૂહાત્મક મહત્ત્વની બની રહે છે કેમકે, હિંદ મહાસાગરને પ્રશાંત મહાસાગર સાથે જોડતો તે સૌથી ટૂંકો અને સૌથી કાર્યક્ષમ દરિયાઈ માર્ગ છે."
"તેથી, મધ્ય પૂર્વ, યુરોપ અને પૂર્વ એશિયા વચ્ચેના વેપાર માટે આ માર્ગ અત્યંત આવશ્યક છે."
તેમણે કહ્યું હતું, "આ ખાડી સીધી દક્ષિણ ચીન સમુદ્ર સાથે જોડાયેલી છે, જે માર્ગે લગભગ એક તૃતીયાંશ જેટલો વૈશ્વિક વેપાર થાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સિંગાપોર નજીક ફિલિપ્સ ચૅનલની આસપાસ આવેલો તેનો સૌથી સાંકડો પટ્ટો માત્ર 2.8 કિલોમીટર જેટલો પહોળો છે.
અમેરિકન એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન (ઇઆઇએ)ના તાજેતરના અહેવાલ અનુસાર, 2025ના પ્રથમ છ માસમાં મલાક્કામાંથી રોજના 23.2 મિલિયન બેરલ્સ ઑઇલની અવર-જવર થઈ હતી, જે પ્રમાણ વૈશ્વિક સીબોર્ન ઑઇલ પ્રવાહના આશરે 29 ટકા જેટલું છે.
તે જ ગાળા દરમિયાન આ જળમાર્ગે પ્રતિ દિન લગભગ 9.2 અબજ ક્યુબિક ફીટ લિક્વિફાઇડ નેચરલ ગૅસ (એલએનજી)નું પણ સંચાલન કર્યું હતું.
યુનિવર્સિટી ઑફ લીડ્ઝ ખાતે સાતત્યપૂર્ણ ફ્રેઇટ ટ્રાન્સપોર્ટ ઍન્ડ લૉજિસ્ટિક્સના લેક્ચરર ગોકે બાલ્સી કહે છે કે, આ જળમાર્ગ "ઇલેક્ટ્રોનિક્સ, કન્ઝ્યુમર ગૂડ્ઝ, ઔદ્યોગિક સામાન, મશીનરી તેમજ કાર માટેનો પણ મહત્ત્વનો માર્ગ છે."
તેઓ કહે છે, "વિશ્વનો લગભગ 25 ટકા કારનો વેપાર આ માર્ગે પસાર થાય છે. અનાજ અને સોયાબીન જેવા જથ્થાબંધ સૂકા માલના કાર્ગો પણ આ સામુદ્રધુનીમાંથી આવે-જાય છે."
બાલ્સી ઉમેરે છે, "ભૂગોળ, ઊર્જા પરની નિર્ભરતા, માલસામાનનો જથ્થો અને વિવિધતાના સંયોજનની દૃષ્ટિએ સ્ટ્રેટ ઑફ મલાક્કા સ્ટ્રેટ ઑફ હોર્મુઝથી જુદી પડે છે."
"વૈશ્વિક વેપાર માટે હોર્મુઝ પણ મહત્ત્વપૂર્ણ છે, પણ તે મલાક્કા જેટલું નોંધપાત્ર ટ્રાન્સશિપમેન્ટ હબ (માલસામાનના વિનિમયનું કેન્દ્ર) નથી. મલાક્કાની ભૂમિકા ઊર્જા ઉપરાંત વ્યાપક સ્તરની વિશાળ શ્રેણીને પણ આવરી લે છે."
એસ્ટ્રિનાએ ઉમેર્યું હતું કે, "આ જોતાં એ કહેવું યોગ્ય છે કે, મલાક્કા વૈશ્વિક અર્થતંત્રની મુખ્ય ધમનીઓ પૈકીની એક છે."
દરિયાઈ ચાંચિયાગીરી સતત ચિંતાનો વિષય રહ્યો છે. સિંગાપોર સ્થિત આરઇસીસીએપી ઇન્ફર્મેશન શેરિંગ સેન્ટરના જણાવ્યા અનુસાર, 2025માં સ્ટ્રેટ ઑફ મલાક્કા અને સિંગાપોરમાં દરિયાઈ લૂંટફાટના 108 બનાવો બન્યા હતા.
વળી, આ સામુદ્રધુની સામે સુનામી અને જ્વાળામુખી જેવી કુદરતી હોનારતો જેવા પડકારો પણ રહેલા છે.
જેમકે, ડિસેમ્બર, 2004માં આવેલા સુનામીને કારણે દક્ષિણી પ્રવેશદ્વાર પાસે દરિયાકાંઠા નજીકની માળખાકીય સુવિધાઓને સારું એવું નુકસાન થયું હતું.
તે શા માટે મહત્ત્વપૂર્ણ છે?
નિષ્ણાતો કહે છે કે, મલાક્કા માત્ર આર્થિક દૃષ્ટિએ જ નહીં, બલ્કે વધી રહેલી ભૂરાજકીય સંવેદનશીલતાને પગલે પણ મહત્ત્વ ધરાવે છે.
બાલ્સીના મતે, "આ પ્રદેશમાં દરિયાઈ પ્રભુત્વને લઈને ચીન અને અમેરિકા કે ભારત વચ્ચે જો તણાવની સ્થિતિ સર્જાય, તો સ્ટ્રેટમાંથી પસાર થતો માર્ગ ગંભીરપણે ખોરવાઈ શકે છે."
એસ્ટ્રિના કહે છે કે, ઇન્ડોનેશિયન હવાઈ ક્ષેત્રમાં અમેરિકન લશ્કરી પહોંચ વધવાની શક્યતાની પણ લાંબા ગાળાની અસરો ઉદ્ભવી શકે છે.
"તેનાથી વેપારમાં તાત્કાલિક ધોરણે વિક્ષેપ ન સર્જાય, તો પણ તેનાથી માળખાગત રીતે અસ્થિરતા સર્જાઈ શકે છે."
તેમનું સંશોધન સૂચવે છે કે, સ્ટ્રેટ ઑફ મલાક્કાની હાલની સુરક્ષા વ્યવસ્થા મોટી સત્તાઓ વચ્ચેની હરીફાઈને સંભાળી શકાય, તે રીતે બનાવાઈ નથી.
તેમણે કહ્યું હતું કે, "તે ચાંચિયાગીરી, દાણચોરી તથા દરિયાઈ અપરાધો જેવાં બિન-પરંપરાગત જોખમોનો સામનો કરવા માટે બનાવાઈ છે. તે મહાસત્તાઓની સ્પર્ધાઓને પહોંચી વળવા માટે તૈયાર નથી કરાઈ."
"આથી જ્યારે અમેરિકા જેવી મહાસત્તા તેનો કામકાજી પગપેસારો વધારે છે, ત્યારે તે સિસ્ટમ જેને હૅન્ડલ કરવા માટે સક્ષમ ન હોય, એવી સુરક્ષાત્મક ગતિશીલતા રજૂ કરે છે."
જોકે, તેઓ કહે છે કે, ટૂંકા ગાળામાં વિક્ષેપ સર્જાવાની શક્યતા ઓછી છે.
"મને હજુયે વ્યાવસાયિક શિપિંગ ખોરવાવાની શક્યતા દેખાઈ રહી નથી. વેપાર ચાલુ રાખવા માટેનાં પ્રોત્સાહનો અત્યંત મજબૂત છે."
મોટું જોખમ આગામી સમયમાં રહેલું છે.
"ચિંતા લાંબા ગાળાના તણાવની છે. જો ચીન આ સ્થિતિનું અર્થઘટન મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પાસે અમેરિકાની વધી રહેલી દેખરેખ કે પછી વ્યૂહાત્મક ગોઠવણ તરીકે કરે, તો તે પ્રતિસાદ આપી શકે છે - અને તે માટે જરૂરી નથી કે તે વેપાર ખોરવી નાખે, પણ તે પ્રદેશમાં અને તેની આસપાસના પ્રદેશમાં પોતાની હાજરી વિસ્તારીને જવાબ આપી શકે છે."
"અને અહીં જ જોખમ રહેલું છે. સહકારી અને કાયદાના અમલીકરણ કેન્દ્રિત સુરક્ષાની સ્થિતિ તરફથી વધુ સ્પર્ધાત્મક, લશ્કરીકૃત સ્થિતિ તરફનું પરિવર્તન જોઈ શકાય છે."
સીધા ઘર્ષણ વિના પણ આ પરિવર્તનોની સ્પષ્ટ અસરો ઉપજી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
"વૈશ્વિક વેપાર માટેની અસરો પરોક્ષ, પણ વાસ્તવિક હોઈ શકે છે - ઊંચાં ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ, જોખમની વધેલી ધારણા અને વૈશ્વિક અર્થતંત્ર જે માર્ગ પર આટલું બધું નિર્ભર છે, તે માર્ગ પર મોટાપાયે અસ્થિરતા."
સાથે જ તેમણે ઇન્ડોનેશિયાની ભૂમિકાને ઓછી આંકવા સામે પણ ચેતવણી આપી હતી.
"આ સ્થિતિને - ઇન્ડોનેશિયા કોઈ એક પક્ષ સાથે જોડાઈ રહ્યું નથી - તે દૃષ્ટિએ જોવી જરૂરી છે," એમ તેમણે કહ્યું હતું.
"ઇન્ડોનેશિયા સંતુલિત રણનીતિ અપનાવી રહ્યું હોય, એમ જણાય છે - તે અમેરિકા સાથે સહકાર મજબૂત કરી રહ્યું છે અને સાથે જ ચીન સાથે મજબૂત આર્થિક જોડાણો જાળવી રહ્યું છે તેમજ રશિયા જેવા અન્ય ભાગીદારો સાથે પણ જોડાઈ રહ્યું છે."
"મોટું ચિત્ર ગઠબંધન બનાવવા અંગેનું નથી, પણ વાસ્તવિકતા એ છે કે, મહાસત્તાઓ વચ્ચેની સ્પર્ધા હવે વૈશ્વિક વેપાર માટે ઐતિહાસિક રીતે સહિયારા, કાર્યકારી કૉરિડોર તરીકે સંચાલિત ક્ષેત્રમાં પ્રવેશી રહી છે."
'મલાક્કાની દ્વિધા'
ઇમેજ સ્રોત, AFP via Getty Images
2003માં ચીનના તત્કાલીન પ્રમુખ હુ જિન્તાઓએ મલાક્કાના જળમાર્ગ પરની ચીનની વ્યાપક નિર્ભરતાને વર્ણવવા માટે "મલાક્કાની દ્વિધા (મલાક્કા ડાઇલેમા)" શબ્દ પ્રયોજ્યો હતો.
ઇઆઇએ અને સીએસઆઇએસ ચાઇના પાવર પ્રોજેક્ટના ડેટા પ્રમાણે, ચીનની ઑઇલની આયાતોનો લગભગ ત્રણ-ચતુર્થાંશ હિસ્સો (મૂલ્યની દૃષ્ટિએ તેના દરિયાઈ વેપારનો આશરે 60 ટકા હિસ્સો) સ્ટ્રેટ ઑફ મલાક્કા અને તેની નજીકના દક્ષિણ ચીન સમુદ્રમાંથી પસાર થાય છે.
બાલ્સી કહે છે, "માત્ર ચીન જ નહીં, જાપાન અને દક્ષિણ કોરિયા પણ ઊર્જા માટે આ સામુદ્રધુની પર ભારે અવલંબે છે, કારણ કે, તેમની 90 ટકા ઑઇલની આયાતો આ માર્ગેથી પસાર થાય છે."
તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વનું બીજું સૌથી વ્યસ્ત કન્ટેનર પોર્ટ ધરાવતા સિંગાપોર માટે પણ આ જળમાર્ગ ઘણો મહત્ત્વનો છે.
તેમણે કહ્યું હતું કે, "સિંગાપોર અને મલાક્કાની સામુદ્રધુનીની અગત્યતા કેવળ માલસામાનની અવર-જવર પૂરતી નથી, બલ્કે વ્યાવસાયિક શિપિંગ માટે બંકરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (જહાજોમાં ઇંધણ ભરવાની સુવિધા) માટે પણ છે."
"સિંગાપોર વિશ્વનું સૌથી મોટું બંકરિંગ અને શિપ-રિફ્યૂઅલિંગ કેન્દ્ર છે."
એસ્ટ્રિના કહે છે કે, ચીન માટે સામુદ્રધુની પરનું અવલંબન ઓછું કરવું એ ટૂંકા ગાળાનો વાસ્તવિક વિકલ્પ નથી.
તેઓ કહે છે, "મને નથી લાગતું કે, ચીન પાસે કોઈપણ અર્થપૂર્ણ રીતે નિર્ભરતા ઘટાડવાનો કોઈ વાસ્તવિક માર્ગ મોજૂદ હોય, એટ લિસ્ટ નજીકના ગાળામાં તો નહીં જ."
"પાઇપલાઇન કે પછી કૉરિડોર જેવા વૈકલ્પિક માર્ગો થોડી મદદે આવી શકે, પણ તે વ્યાપક સ્તર પર મલાક્કાનું સ્થાન ન લઈ શકે."
બાલ્સી પણ આ વાત સાથે સંમત છે. તેઓ કહે છે કે, સૌથી વ્યવહારુ એવા બે વિકલ્પો - સુંડા સ્ટ્રેટ અને લોમ્બોક સ્ટ્રેટ પણ ઇન્ડોનેશિયાની જળ સીમામાં જ આવેલા છે.
તેઓ સમજાવે છે કે, પાપુઆ ન્યૂ ગિની નજીક આવેલી ટોરેસ સ્ટ્રેટ "એક છીછરો અને સંવેદનશીલ જળમાર્ગ છે, તેમાં પરવાળાના ખડકો આવેલા છે અને વિશાળ વ્યાવસાયિક જહાજો ત્યાંથી પસાર થઈ શકે તેમ નથી."
વધુમાં તેઓ કહે છે કે, દક્ષિણ ઓસ્ટ્રેલિયા પાસેથી મુસાફરી કરવાથી ખર્ચ અને સમય ઘણો જ વધી જશે.
આ મર્યાદાઓ જોતાં, ચીન તેની નબળાઈને નાથવાને બદલે તેનું વ્યવસ્થાપન કરવા પર કેન્દ્રિત રહે, એવી શક્યતા એસ્ટ્રિના વ્યક્ત કરે છે.
"દ્વિધા ખરેખર નિર્ભરતા ઘટાડવા અંગે નથી. તે ચીન તે નિર્ભરતાનું વ્યવસ્થાપન કેવી રીતે કરે છે, તેના પર છે."
તેમણે કહ્યું હતું કે, "આથી જ આપણે જોઈએ છીએ કે, ચીન માત્ર વૈવિધ્યીકરણ પર નહીં, બલ્કે તેની સાથે વ્યાપક પ્રદેશ - ખાસ કરીને દક્ષિણ ચીન સમુદ્રમાં અને તેની આસપાસના ચાવીરૂપ દરિયાઈ માર્ગો પર તેનું વર્ચસ્વ વિસ્તારવા પર પણ ધ્યાન આપી રહ્યું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી