'મારી દીકરી કાટમાળ નીચે દબાયેલી છે,' અમેરિકન-ઇઝરાયલી હુમલા વચ્ચે તહેરાનના હાલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 27 માર્ચના રોજ તહેરાનમાં હવાઈ હુમલામાં ક્ષતિગ્રસ્ત થયેલી એક રહેણાક ઇમારતનું કાટમાળ હઠાવતાં ઇમર્જન્સી વર્કર્સ અને નજીકમાં વાત કરી રહેલાં મહિલા
    • લેેખક, નવલ અલ-મઘાફી
    • પદ, સિનિયર ઇન્ટરનૅશનલ ઇન્વેસ્ટિગેશન સંવાદદાતા
    • લેેખક, રુઝગાર અક્ગુન, ઈશાન જાવેરી અને એમિલ કોસ્ટાર્ડ
    • પદ, બીબીસી આઇ
  • વાંચવાનો સમય: 6 મિનિટ

કાટમાળ પાસે ઊભેલાં માતા પોતાની દીકરી માટે રડી રહ્યાં છે.

ઘણા દિવસોથી તેઓ કાટમાળને હઠાવવા માટે બચાવકર્મીઓની રાહ જોઈ રહ્યાં છે. આ જગ્યાએ એક સમયે પૂર્વ તહેરાનના એક રહેણાક વિસ્તાર રિસાલતમાં તેમનાં દીકરીનો ફ્લૅટ હતો.

એ મહિલા કહે છે, "તેમની (ઈરાન સરકાર) પાસે તેને બહાર કાઢવા માટે જરૂરી લોકો નથી."

"મારી દીકરી કાટમાળ નીચે દટાયેલી છે, તેને અંધારાથી ડર લાગે છે."

ગત એક મહિનાથી ઈરાન અમેરિકા અને ઇઝરાયલ સામે યુદ્ધ લડી રહ્યું છે. અમેરિકા-ઇઝરાયલ, ઈરાનમાં એ ઠેકાણાં પર હુમલા કરી રહ્યાં છે જે સરકાર સાથે સંકળાયેલાં છે.

પરંતુ આ હુમલાની આસપાસ રહેતા સામાન્ય લોકો પર પણ અત્યંત ખરાબ અસર પડી રહી છે.

હવે તેઓ આકાશમાંથી થતા બૉમ્બમારા અને દમનકારી શાસન વચ્ચે ફસાઈ ગયા છે. આ જ શાસને જાન્યુઆરી માસમાં સત્તાવિરોધી પ્રદર્શનો બાદ લોકો સામે જીવલેણ કાર્યવાહી કરી હતી.

યુદ્ધ શરી થયા બાદ બીબીસી આઇએ તહેરાનની અંદર હાજર સ્વતંત્ર પત્રકારો પાસેથી ખાસ ફુટેજ મેળવ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીને ઈરાનમાં જવાની પરવાનગી ખૂબ ઓછા પ્રસંગોએ જ મળે છે. યુદ્ધ શરૂ થયા બાદથી અમને ત્યાં જવાની પરવાનગી બિલકુલ નથી મળી.

અમે સાક્ષીઓના નિવેદન જમા કર્યા છે. હુમલા બાદ સ્થિતિને રેકૉર્ડ કરી છે. સોશિયલ મીડિયા અને સેટેલાઇટ તસવીરો મારફતે મળેલા ફુટેજનું વિશ્લેષણ કર્યું છે.

અમારા વિશ્લેષણથી ખબર પડી છે કે તહેરાનના રહેણાક વિસ્તારમાં રહેલાં સરકાર સાથે સંકળાયલાં ઠેકાણાં પર સતત હુમલા થયા છે. જે આસપાસ રહેતા લોકો માટે જીવલેણ સાબિત થયા છે.

રિસાલતમાં બનેલા એક બહુમાળી ઍપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ડઝનો પરિવારો રહેતા હતા, જેને 9 માર્ચના રોજ એક ઇઝરાયલી હવાઈ હુમલામાં તબાહ કરી દેવાઈ હતી.

કાટમાળમાં ફસાયેલી દીકરી અને પતિ અને પોતાની નાની દીકરી સાથે એ જ બિલ્ડિંગમાં રહેતી હતી. હુમલાના અમુક દિવસ બાદ તેઓ અને તેમની દીકરી કાટમાળ નીચે મૃત અવસ્થામાં મળી આવ્યાં. જોકે, તેમના પતિ બચી ગયા.

રસ્તાની બીજી તરફ આવેલી એક ઍપાર્ટમેન્ટ બિલ્ડિંગ પણ એ હવાઈ હુમલામાં તબાહ થઈ ગઈ.

અહીંના એક ઍપાર્ટમેન્ટમાં રહેતી 55 વર્ષીય વ્યક્તિએ જણાવ્યું કે હુમલો 'એટલો અચાનક' થયો કે તેઓ "ફંગોળાઈને રૂમમાં બીજી બાજુએ પહોંચી ગયા."

તેઓ કહે છે કે તેમની બધી વસ્તુઓ હવે કાટમાળ નીચે દટાયેલી છે. તેઓ કહે છે કે, "મારી પાસે હવે કંઈ નથી બચ્યું. મારા બધા દસ્તાવેજો, બધું ખતમ થઈ ગયું."

સ્થાનિક અધિકારીઓ અને નિવાસીઓનું કહેવું છે કે આ એક જ હુમલામાં 40થી 50 લોકોનાં મૃત્યુ થઈ ગયાં. જે લોકો ઘરવિહોણા થયા છે તેઓ હાલ નજીકની એક હોટલમાં રોકાયેલા છે.

તેમણે કહ્યું, "એ જ અમારું જીવન હતું."

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

સેટેલાઇટ તસવીરોથી શું ખબર પડી?

ઇમેજ કૅપ્શન, એક વ્યક્તિ, જેમના ઍપાર્ટમેન્ટને નુકસાન પહોંચ્યું હતું, જણાવ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે તેઓ "ફંગોળાઈને રૂમમાં બીજી બાજુએ પહોંચી ગયા હતા"

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ)એ બીબીસીને એક નિવેદનમાં કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે, "તેઓ હુમલા માત્ર વૈધ સૈન્ય ઠેકાણાં પર જ કરે છે."

આઇડીએફે કહ્યું કે તેઓ, "એ વાતની પુષ્ટિ કરી શકે છે કે અસરગ્રસ્તોની સંખ્યા જાહેર કરાયેલી સંખ્યા કરતાં ઘણી ઓછી છે."

આઇડીએફનું કહેવું છે કે તેણે એક એવી સૈન્ય ઇમારતને નિશાન બનાવ્યું જેનો ઉપયોગ ઈરાની બાસિઝ કરતું હતું. ઈરાની બાસિઝ એક અર્ધસૈનિક બળ છે, જે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી) સાથે સંકળાયેલું છે.

પરંતુ હુમલા બાદ સ્થિતિના વિશ્લેષણથી ખબર પડે છે કે તેની અસર એ એક જગ્યાથી ઘણે દૂર સુધી થઈ.

હુમલાના અમુક દિવસ બદ લેવાયેલી સેટેલાઇટ તસવીરોથી ખબર પડે છે કે ઓછામાં ઓછી ચાર ઇમારતો તબાહ થઈ ગઈ.

જોકે, એ વાત તો બધાને ખબર હતી કે એ પૈકી એક ઇમારત 'બસીઝ' સાથે સંકળાયેલી હતી. પરંતુ તેની આસપાસ અન્ય ઇમારતો રહેણાક હતી.

ઘટનાસ્થળથી મળેલા ફુટેજની બીબીસી આઇએ પુષ્ટિ કરી છે, એમાં દેખાય છે કે આખા વિસ્તારમાં ભારે તબાહી મચેલી છે. અમારા વિશ્લેષણથી ખબર પડી છે કે ધડાકાના કારણે 64 મીટર સુધીના અંતરે આવેલી ઇમારતોને પણ ભારે નુકસાન થયું છે.

ત્યાં રહેનારા લોકોએ પણ જણાવ્યું કે અમુક સેકન્ડના અંતરે ઘણા ધડાકા થયા. એક સર્વાઇવરે જણાવ્યું, "તેમણે ત્રણ વખત હુમલો કર્યો."

"કદાચ તેમના વચ્ચે ત્રણ કે પાંચ સેકન્ડનું અંતર હતું, મેં ઊઠવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારા માથા પર કાટમાળ આવીને પડ્યું."

મિલિટરી નિષ્ણાતોએ શું કહ્યું?

ઇમેજ કૅપ્શન, મિલિટરી નિષ્ણાતોનું કહેવું છે કે રિલાસતમાં જોવા મળેલું નુકસાન, 'માર્ક 84' નામના એક શક્તિશાળી બૉમ્બના ઉપયોગથી થતા નુકસાનની સમાન છે

મિલિટરી નિષ્ણાતોએ બીબીસી આઇને કહ્યું કે એ વાતની પૂરી સંભાવના છે કે ઇઝરાયલી વાયુ સૈન્ય તહેરાનમાં માર્ક 80 સિરીઝના ખૂબ મોટા બૉમ્બનો ઉપયોગ કરી રહી છે. જેમાં સામાન્યપણે ચોક્કસ હુમલો કરી શકતી ગાઇડન્સ સિસ્ટમ લાગેલી હોય છે.

તેમણે કહ્યું કે રિસાલતમાં જે નુકસાન જોવા મળ્યું છે, તેની ઇમ્પૅક્ટ માર્ક 84ના ઉપયોગથી મેળ ખાય છે. આ એ સિરીઝનો સૌથી મોટો બૉમ્બ છે, જેનું વજન 2000 એલબી (907 કિગ્રા) છે.

શહેરમાં આ પ્રકારના એવા કેટલાક બૉમ્બની તસવીરો પણ મળી છે, જે બ્લાસ્ટ નથી થયા.

યુએને અગાઉ પણ દેશો અને સશસ્6 દળોને અપીલ કરી ચે કે વધુ વસતીવાળા વિસ્તારમાં શક્તિશાળી બૉમ્બનો ઉપયોગ કરવાનું ટાળે, કારણ કે તેમાં સામાન્ય લોકોના જીવને ખતરો હોય છે.

બીબીસી આઇએ ઇન્ટરનૅશનલ હ્યુમન લૉના બે નિષ્ણાતો સાથે વાત કરી છે. તેમનું માનવું છે કે વધુ વસતીવાળા વિસ્તારમાં પણ શક્તિશાળી બૉમ્બનો ઉપયોગ કરવો, સામાન્ય નાગરિકોને થતા સંભવિત નુકસાનને ધ્યાને લઈ, કદાચ ગેરકાયદેસર હશે.

રિસાલત એ કોઈ એકલો મામલો નથી. સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધી આઇડીએફે જણાવ્યું છે કે તેણે આખા ઈરાનમાં 12 હજાર કરતાં વધુ બૉમ્બ ફેંક્યા છે. માત્ર તહેરાન પર જ 3600 બૉમ્બ ફેંકવામાં આવ્યા છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડનું કહેવું છે કે તેણે આખા ઈરાનમાં નવ હજાર કરતાં વધુ ઠેકાણાં પર હુમલા કર્યા છે.

અમેરિકા અને ઇઝરાયલના આ હુમલામાંથી ઘણાએ પોલીસ સ્ટેશનો, બસીઝ મિલિશિયાની ઇમારતો, પોલીસ મુખ્યાલયો, સૈન્યઅને પોલીસ વિશ્વવિદ્યાલયો, સેફ હાઉસ, આઇઆરજીસીનાં ઘર, સાથે જ સંભવિત દારૂગોળાનાં ભંડારો અને ચોકીઓને નિશાન બનાવી છે.

સામાન્ય રીતે આ ઠેકાણાં લોકોની ભીડવાળા વિસ્તારોમાં જ હોય છે.

એક માર્ચના રોજ ઇઝરાયલના એક હુમલામાં નીલોફર ચોક પાસે સ્થિત અબ્બાસાબાદ પોલીસ સ્ટેશનને નિશાન બનાવાયું. ત્યાં રમજાનના રોજા ખોલ્યા બાદ ઘણા પરિવાર જમા થયા હતા.

સાક્ષીઓ પ્રમાણે, આ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોનાં મૃત્યુ થયાં. જોકે, બીબીસીએ અત્યાર સુધી આ આંકડાની પુષ્ટિ નથી કરી.

સાક્ષીઓએ જણાવ્યું કે પહેલાં એક 'ખોફનાક રોશની' દેખાઈ, જે બાદ એક બાદ એક ઘણા ધડાકા થયા.

એક વ્યક્તિએ જણાવ્યું, "અમે ભાગીને રસ્તા પર આવી ગયા."

"એક પુરુષ અને એક મહિલા માત્ર દુકાન બહાર નીકળ્યાં જ હતાં, ત્યારે તેઓ પણ આ હુમલાનાં નિશાન બની ગયાં."

લોકોએ જણાવ્યું કે એક જ ટાર્ગેટ પર ઘણા ઓછા સમયના અંતરે ઘણી વાર હુમલા કરાયા.

વધુ એક નજરે જોનારાએ કહ્યું, "બે મિનિટ પણ નહોતી થઈ."

"જ્યારે અમે પાછા ફર્યા, તો તેમણે ફરી હુમલો કરી દીધો."

આઇડીએફએ પુષ્ટિ કરી કે આ હુમલા માટે તે જ જવાબદાર છે, આઇડીએફએ કહ્યું કે તેણે "એક સૈન્ય લક્ષ્ય પર હુમલો કર્યો હતો."

ધડાકાવાળી જગ્યાના બીબીસી આઇના વિશ્લેષણથી માલૂમ પડે છે કે રિસાલતમાં જેવું થયું હતું, નુકસાન એ નિશ્ચિત લક્ષ્યથી ઘણે દૂર સુધી ફેલાયેલું હતું.

આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા અંતર્ગત, કોઈ પણ સંઘર્ષમાં સામેલ તમામ પક્ષોએ સામાન્ય નાગરિક વસ્તુઓ અને સૈન્ય લક્ષ્યો વચ્ચે ફરક કરવો જરૂરી છે.

સામાન્ય નાગરિકો કે સામાન્ય ઇમારતોને થનારા સંભવિત નુકસાન, એ કાર્યવાહીથી થતા સંભવિત સૈન્ય ફાયદાના પ્રમાણસર જ હોવું જોઈએ.

તેમાં બંને પક્ષો પાસેથી એવી આશા રખાય છે કે શક્ય હોય ત્યાં સુધી, ગાઢ વસતીવાળા વિસ્તારોની અંદર કે તેની આસપાસ સૈન્ય ઠેકાણાં બનાવવાનું ટાળે.

આઇડીએફે હુમલાની પુષ્ટિ કરી

ઇમેજ કૅપ્શન, ક્યારેક અહીં રહેતા લોકો હાલ સર્વસ્વ ગુમાવી ચૂક્યા છે અને હોટલમાં રહી રહ્યા છે

યુએસસ્થિત માનવાધિકાર કાર્યકર ન્યૂઝ એજન્સી (એચઆરએએનએ)નું કહેવું છે કે સંઘર્ષના પ્રથમ મહિનામાં ઈરાનમાં ઓછામાં ઓછાં 217 બાળકો સહિત 1464 સામાન્ય નાગરિકો માર્યા ગયા છે.

ત્યાંના રહેવાસીઓએ બીબીસી આઇને જણાવ્યું કે રહેણાક વિસ્તાર પર થતા હુમલાથી લોકોમાં નારાજગી હજુ વધી શકે છે. એટલે સુધી કે એ લોકોમાં પણ જેઓ પહેલાં ઈરાની શાસનની ટીકા કરી રહ્યા હતા.

બીબીસીએ આ રિપોર્ટમાં બતાવાયેલી ઘટનાઓ અંગે આઇડીએફને પૂછ્યું. આઇડીએફે હુમલાની પુષ્ટિ તો કરી, પરંતુ આગળ તેના પર વધુ કોઈ ટિપ્પણી ન કરી. અમેરિકન સંરક્ષણ વિભાગે આ અંગે કોઈ જવાબ ન આપ્યો.

આ જંગ દરમિયાન ઈરાને આસપાસના દેશોમાં સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રહેણાક ઇમારતો પર પણ હુમલા કર્યા છે. જેમ કે, હવાઈ મથક અને હોટલ. ખાસ કરીને અખાતના એ દેશોમાં જે અમેરિકાના સહયોગી છે.

તહેરાનમાં, લોકોએ યુદ્ધ અંગે ઈરાની અધિકારીઓની પ્રતિક્રિયાની ટીકા કરી.

તેમણે બીબીસીને જણાવ્યું કે સુરક્ષાના પાયાના ઉપાયો મામલે તેમને ખૂબ ઓછી વ્યવસ્થા દેખાઈ. જેમાં લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં મદદ કે વિસ્થાપિત લોકો માટે અસ્થાયી રહેવાની વ્યવસ્થા પણ સામેલ છે.

જે તમામ લોકો સાથે અમે વાત કરી, તેમણે જણાવ્યું કે તેમને આ અંગે કોઈ માહિતી કે નિર્દેશ નથી મળ્યાં કે હુમલા દરમિયાન તેમણે ક્યાં હોવું જોઈએ કે પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી જોઈએ.

એક રહેવાસીએ કહ્યું, "ન કોઈ સાઇરન વાગે છે, ન કોઈ ચેતવણી અપાય છે. તમને માત્ર ધડાકાનો અવાજ જ સંભળાય છે."

કૉમ્યુનિકેશનની કમી અને ઇન્ટરનેટ બંધ થવાના કારણે ઘણા લોકોએ પોતાની જાતને અસુરક્ષિત અનુભવી. તેમને ખબર નહોતી કે આગામી હુમલો ક્યારે અને ક્યાં થઈ શકે છે.

ઈરાની સરાકરે એ હુમલાના જવાબમાં સમગ્ર દેશ માટે કોઈ પણ સિવિલિયન ડિફેન્સ પ્રોટોકૉલ વિશે જાહેરમાં કોઈ જાણકારી નથી અપાઈ.

અમેરિકા અને ઇઝરાયલનું કહેવું છે કે તેઓ ઈરાની સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યા છે.

પરંતુ એક એવા શહેરમાં, જ્યાં એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘરો, દુકાનો અને સ્કૂલોની એકદમ પાસે આવેલું છે. આ હુમલાનાં પરિણામો એ નક્કી નિશાનોથી ઘણે દૂર સુધી નુકસાન પહોંચાડી રહ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન