ચોમાસું મુંબઈ પહોંચ્યું ત્યારે શું થયું, ગુજરાતમાં આગમન પહેલાં વરસાદે કેવી તબાહી મચાવી - જુઓ 10 તસવીરોમાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારે વરસાદને કારણે દેશની આર્થિક રાજધાની મનાતું મુંબઈ જળબંબાકાર થઈ ગયું હતું.
વાંચવાનો સમય: 5 મિનિટ

રવિવારે સાંજના સમયથી જ દેશની આર્થિક રાજધાની મુંબઈ તથા આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે અનેકસ્થળોએ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે.

સોમવારે સપ્તાહની શરૂઆતમાં ઑફિસે જનારાઓએ હાલાકી અનુભવી હતી. જોકે, મોટાભાગની શાળાઓમાં વૅકેશન ચાલી રહ્યું હોય, વાલીઓ તથા માતા-પિતાએ રાહતના શ્વાસ લીધાં હતાં.

સામાન્ય રીતે ભારતમાં પહેલી જૂનથી ચોમાસાની શરૂઆત થાય છે, પરંતુ આ વખતે વરસાદ લગભગ આઠેક દિવસ વહેલો છે, જેની અસર વરસાદની પૅટર્ન ઉપર પણ જોવા મળી રહી છે.

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, આચાર્ય અત્રે મેટ્રો સ્ટેશન પર પાણી ભરાયાં

ભારે વરસાદને કારણે મુંબઈ મેટ્રોની ઍક્વા લાઇન ઉપર આચાર્ય અત્રે મેટ્રો સ્ટેશન પર જળભરાવની સ્થિતિ જોવા મળી હતી. આ સ્ટેશન ઍની બેસન્ટ રોડ ઉપર આવેલું છે.

આચાર્ય અત્રે મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે. ડ્રેઇન લાઇનના પાણીને અટકાવી રાખતી દીવાલ તૂટી પડતાં મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયું હતું.

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન આચાર્ય અત્રે ચોકની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી.

સોશિયલ મીડિયા ઉપર આ તસવીરો વાયરલ થઈ હતી અને યૂઝર્સે મેટ્રો સ્ટેશનનાં પ્લાનિંગ તથા નિર્માણની ગુણવતા અંગે સવાલો ઉઠાવ્યા હતા.

જોકે, સત્તાધીશોનું કહેવું છે કે આ સ્ટેશનનું કામકાજ હજુ અપૂર્ણ છે તથા તેને તૈયાર થતાં ત્રણેક મહિનાનો સમય લાગશે. જે સ્થળેથી મેટ્રો સ્ટેશનમાં પાણી પ્રવેશ્યું તેનો પ્રવેશ કે નિર્ગમન માટે ઉપયોગ થતો ન હતો.

ઇમેજ કૅપ્શન, વહીવટીતંત્રે લોકોને સાવધાન રહેવા તાકિદ કરી છે

ગાજવીજ સાથે ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને જનજીવન ઠપ થઈ ગયું હતું. બારામતીમાં કૅનાલ તૂટી પડવાની ઘટના નોંધાઈ હતી.

વહીવટી તંત્રે ભારે વરસાદને કારણે લોકોને સતર્ક રહેવા તાકિદ કરી છે અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારે વરસાદને કારણે મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયું હતું

કૃષિવિષયક હવામાનશાસ્ત્રી ડૉ. કૈલાશ દાખોરેના કહેવા પ્રમાણે, આ વર્ષે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયાનું સર્જન થયું હતું. બંને સ્થળોએ ખૂબ જ ઝડપભેર આનું સર્જન થયું હતું, જેના કારણે ચોમાસાને માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ હતી.

ઇમેજ કૅપ્શન, ખેડૂતોનું કહેવું છે કે પાણી લાગવાને કારણે ઉનાળુ ડુંગળીનો 60થી 70 ટકા પાક નાશ પામ્યો છે

ભારતભરમાં ડુંગળીના ઉત્પાદન માટે મહારાષ્ટ્રનું નાસિક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. અચાનક ભારે વરસાદને કારણે ખેતરમાં રહેલો ઉનાળુ ડુંગળીનો પાક પલળી જવા પામ્યો હતો.

જેના કારણે આગામી દિવસોમાં ડુંગળીના ભાવો ઉપર તેની અસર જોવા મળશે. ખેડૂતોએ મહારાષ્ટ્ર સરકાર પાસેથી વળતરની માગણી કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચોમાસાને કારણે મુંબઈ તથા કોંકણમાં શનિવારથી જ માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવાયું હતું

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના રત્નાગિરિમાં સોમ તથા મંગળવાર માટે રેડઍલર્ટ આપવામાં આવ્યું છે. અહીં જનજીવન ઠપ થઈ ગયું છે.

કેટલાંક સ્થળોએ રસ્તા તથા પુલની ઉપર પાણી ફરી વળવાને કારણે માર્ગવ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રવિવાર રાતથી જ મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, મહારાષ્ટ્રના અમુક વિસ્તાર, ગોવા તથા કર્ણાટકના કેટલાક ભાગોમાં રવિવારથી વરસાદ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ચોમાસું ત્રણેક દિવસ વહેલું બેસશે.

મધ્ય મહારાષ્ટ્રમાં લૉ-પ્રેશર એરિયા બનવાને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન કોંકણની આજુબાજુના ઊંચાઈવાળા વિસ્તારો તથા મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે.

ઇમેજ કૅપ્શન, કેટલાક સ્થળોએ ભારે પાણી ભરાઈ જવાને કારણે પુણે-સોલાપુર હાઈવે ઉપર વાહનોની અવરજવરમાં અવરોધ ઊભો થયો છે.

પુણેમાં ભારે મેઘગર્જના સાથે વરસાદ અને 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જિલ્લામાં નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની (એન.ડી.આર.એફ.) બે ટુકડીઓને સાવચેતીના પગલાં રૂપે ગોઠવી દેવામાં આવી છે.

કેટલાક સ્થળોએ ભારે પાણી ભરાઈ જવાને કારણે પુણે-સોલાપુર હાઈવે ઉપર વાહનોની અવરજવરમાં અવરોધ ઊભો થયો છે. વાહનોની લાંબીલાંબી કતારો લાગી છે.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જે. જે. ફ્લાયઓવર પર જળભરાવનથી બચીને ચાલવા માટે પ્રયાસરત ટૅક્સીચાલક

હાલના વાતાવરણ મુજબ હવામાન વિભાગે ખેડૂતોને વાવણી માટે ઉતાવળ ન કરવા માટે સલાહ આપી છે, કારણ કે મે મહિનાના અંતભાગ સુધીમાં વરસાદ અટકી જશે અને પછી ગરમી અનુભવાશે.

આ સંજોગોમાં જો ખેડૂતો વાવેતર કરવાનું વિચારશે તો નુકસાન જવાની શક્યતા નકારી ન શકાય. પશ્ચિમ અને પૂર્વના દરિયાનું તાપમાન અસામાન્ય છે, જે વરસાદ માટે અનિશ્ચિતતા ઊભી કરી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.