ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદથી છાપરાં ઊડ્યાં, ખેતીને નુકસાન : ક્યાં સુધી ચોમાસા જેવો માહોલ રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 3 મિનિટ

અમદાવાદસ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના બીજા ભાગોમાં ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડ્યો છે.

આ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી થયો, પરંતુ લઘુતમ તાપમાન ઘટ્યું છે.

સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહ્યું છે. કચ્છમાં સામાન્ય કરતા વધારે મહત્તમ તાપમાન નોંધાયું છે.

છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટમાં 37.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી વધુ હતું, જ્યારે કચ્છના નલિયામાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ રાજસ્થાનમાં સમુદ્રની સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. ઉત્તર પાકિસ્તાન અને પડોશના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઉંચાઈએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના થઈ છે.

હવે ગુજરાતમાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMd

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં 20 માર્ચે વરસાદ પડવાની શક્યતા ધરાવતા વિસ્તાર

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો જે દરમિયાન પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાક કરતા પણ વધુ હતી.

રાજ્યમાં હજુ કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં હળવો વરસાદ પડી શકે છે.

19 માર્ચે મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે પવન ફૂંકાયો હોવાથી ધૂળની ડમરી ઊડી હતી અને તાપમાન ઝડપથી ઘટી ગયું હતું.

વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, દ્વારકા અને બોટાદમાં પણ હળવો વરસાદ થયો છે.

આજે 20 માર્ચે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા છે, જ્યારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે.

ભારે પવન અને વરસાદથી નુકસાન

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો મગફળીનો જથ્થો પલળી ગયો હતો.

રાજકોટ શહેરમાં ગુરુવારે સાંજે વરસાદ પડતા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ હતી અને અમુક માલ વહી ગયો હતો.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. અહીં મેવાસા ગામમાં મોટા પ્રમાણમાં ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો.

રાજકોટના ઉપલેટા પંથકમાં પ્રાંસલા ગામની સીમમાં વીજળી પડવાથી એક મહિલા અને બે બાળકોને ઈજા થઈ છે.

સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં ગુરુવારે ઝરમર વરસાદ પડ્યો હતો. તેના કારણે ઘઉં, તમાકુ સહિતના પાકોમાં નુકસાનની ભીતિ છે.

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં પણ ભારે પવન અને કમોસમી વરસાદને પગલે નુકસાન થયું છે. અહીં 20થી વધારે સિરામિક કારખાનાના શેડનાં પતરાં ઊડી ગયાં હતાં.

ઇમેજ સ્રોત, Darshan Thakkar

ઇમેજ કૅપ્શન, જામનગર નજીક વીજળીના થાંભલા પડી જવાની ઘટનાઓ પણ બની છે.

દ્વારકા તાલુકાના શિવરાજપુર બીચ પર તેજ પવન ફૂંકાતા સહેલાણીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઓચિંતો પવન ફૂંકાવાના કારણે પ્રવાસીઓ ભાગવા લાગ્યા હતા.

સુરેન્દ્રનગર નજીક કચ્છના નાના રણમાં અગરિયાઓને પણ પારાવાર નુકસાન થયું હોવાના અહેવાલ છે. રણમાં ઝૂંપડાં બાંધીને મીઠું પકવતા અગરિયાઓનાં ઝૂંપડાં ઊડી ગયાં હતાં અને સોલર પેનલને પણ નુકસાન થયું છે.

ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભીડ હતી તે સમયે પવન ફૂંકાવાના કારણે રોપવેની સુવિધા બંધ રાખવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, રાજકોટ જિલ્લામાં કેટલીક જગ્યાએ પાકને નુકસાન થયું છે.

કચ્છના નારાયણ સરોવરમાં માછીમારોને નુકસાન

ઇમેજ સ્રોત, Ayaz Siddhiqui

ઇમેજ કૅપ્શન, ભારે પવન પછી નારાયણ સરોવર બંદરે માછીમારોની બોટને થયેલું નુકસાન

ગુરુવારે ઝડપી પવનના કારણે કચ્છના નારાયણ સરોવર બંદર પર માછીમારોની આજીવિકા છીનવાઈ છે. દરિયાઈ તોફાની મોજાંના કારણે સ્થાનિક માછીમારોને વ્યાપક આર્થિક નુકસાન થયું છે.

તોફાન એટલું પ્રચંડ હતું કે દરિયાકાંઠે લાંગરેલી બોટોને ભારે નુકસાન પહોંચ્યું છે. અહેવાલ પ્રમાણે લગભગ પાંચ બોટ હવે વપરાશને લાયક રહી નથી. ઉપરાંત 30થી વધુ બોટને 50 ટકા જેટલું નુકસાન થયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ પુરવઠાને અસર

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ જણાવ્યું છે કે, ગુરુવારે બપોરે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે તોફાની પવન સાથે આવેલા વરસાદના કારણે સૌરાષ્ટ્ર- કચ્છનાં કુલ 2645 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

તેમાંથી પીજીવીસીએલની ટેકનિકલ ટીમો દ્વારા 2398 ગામોમાં વીજ પુરવઠો પૂર્વરત કરી આપવામાં આવ્યો હતો. હાલમાં બાકી રહેલાં 247 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન